ભારતીયોમાં ઘટ્યો iPhone નો ક્રેઝ ?

iPhone ભલે ગમે તેટલો મોંઘો હોય અને દરેક વ્યક્તિ તેને ન ખરીદી શકે તેમ છતાં ભારતીયોમાં આઈફોનનું જબરદસ્ત આકર્ષણ છે.
લોકોના ક્રેઝને ધ્યાનમાં રાખીને એપલ દર વર્ષે નવા આઈફોન્સ ભારતીય માર્કેટમાં ઉતારે છે. આ વર્ષે પણ ઘણા નવા આઈફોન્સ લોન્ચ કરવામાં આવ્યા પરંતુ હવે લાગે છે કે આગામી સમયમાં ભારતીયોમાં આઈફોનનો ક્રેઝ ઓછો થઈ જશે.
ઈન્ડસ્ટ્રી રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટે માહિતી આપી કે, ભારતમાં હોલિડે સિઝનના ચોથા ત્રિમાસિક ગાળામાં એપલના આઈફોન્સના વેચાણમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે. જો આવું થયું તો છેલ્લા 4 વર્ષમાં પ્રથમ વખત મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળી શકે છે. આઈફોનના વેચાણના ત્રીજા ત્રિમાસિક ગાળાની માહિતી આપ્યા બાદ એપલના સીઈઓ ટીમ કૂકે કહ્યું કે, ચોથા ત્રિમાસિક ગાળામાં ભારતમાં વેચાણ સામાન્ય રહ્યું. જેમાં એક મહિનો ફેસ્ટિવ સિઝનની તૈયારીનો રહ્યો અને તે વખતે ઈલેક્ટ્રોનિક આઈટમ્સનું વેચાણ પણ બંપર રહ્યું.
ગયા વર્ષે 10 લાખ આઈફોન ઓછા વેચાયા હોવા છતાં એપલે આ વર્ષે એટલે 2018માં 2 મિલિયન (20 લાખ) આઈફોન વેચવા તૈયાર હતું. પરંતુ ટ્રેડ ટેરિફ અને રૂપિયો નબળો પડતાં કિંમત વધી ગઈ. ભારતીય રૂપિયો નબળો પડતાં એપલને ભારતમાં બિઝનેસ કરવું અઘરું પડ્યું.
કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના રિસર્ચ ડાયરેક્ટર નીલ શાહે કહ્યું કે, ભારતમાં આઈફોનનું વેચાણ છેલ્લા 4 વર્ષમાં પહેલીવાર ઘટવાનું છે. આઈફોન્સ મોંઘા થતાં જાય પરંતુ તેના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સમાં કોઈ ખાસ દમ નથી.
એન્ડ્રોઈડના ગ્રાહકો વધ્યા છે પરંતુ એપલમાં નવા કસ્ટમર્સ ઉમેરાયા નથી. આ વર્ષે વેચાયેલા આઈફોનના મોટાભાગના મોડલ જૂના હતા.