નવું વર્ષ નવા રિઝોલ્યૂશન્સ !

એવું કહેવાય છે કે દરેક પ્રાણીની અમુક ખાસ આદતો હોય છે અને એના લીધે જ તેની વિશિષ્ટતા જળવાય રહેતી હોય છે, પરંતુ મનુષ્ય માં અમુક આદતો એવી હોય છે જેને લીધે વિશિષ્ટતા તો ઠીક પરંતુ ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે ! આમ જોઈએ તો એવી કેટલીયે આદતો હશે આપણામાં કે જેની આપણને ખબર પણ નહિ હોય, તો અમુક એવી આદતો છે જેમાંથી આપણે મુક્ત થવા માંગીયે છીએ પરંતુ બહાર આવી શકતા નથી.
આ નવા વર્ષના શુભ પર્વ પર આવો આપણે સમજીએ કે, એવી કઈ આદતો છે જેને નવા વર્ષ ના રિઝોલ્યૂશન તરીકે લઇને બદલવાનો પ્રયાસ કરી શકાય? મુખ્ય રૂપે ત્રણ એવી આદતો છે જેને બદલવી ખુબ જ જરૂરી છે.
1) પ્રોક્રાસ્ટીનેટ કરવું (કોઈપણ વસ્તુ કે કામ પાછું ઠેલવું) 2) ડિજિટલ એડિક્શન (ડિજિટલ વ્યસન) 3) "ચલતા હે" અભિગમ અથવાતો
(હુ કેર એટિટ્યૂડ)
: પ્રોક્રાસ્ટીનેટ કરવું (કોઈપણ વસ્તુ કે કામ પાછું ઠેલવું) :
આ એક એવી આદત છે જેમાં વ્યક્તિ કોઈપણ કામ સમયસર પૂરું કરવાને બદલે આવતી કાલ પર છોડી દે છે, અથવા તો બને તેટલું કામ ને ટાળવાનો પ્રયત્ન કરે છે, આવી વ્યક્તિ ઘણી વાર ઓવર કોન્ફિડન્ટ હોય છે કે કામ પૂરું કરી જ નાખશે, પરંતુ પાછળ થી ખુબ જ તનાવ સહન કરવો પડે અને સાથે સાથે કામની ગુણવત્તા પર પણ અવળી અસર થાય. ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો બહારગામ જવા માટેની મુસાફરીની ટિકિટ બુકીંગ સમય રહેતાના કરાવે અને પછી રિઝર્વેશનના મળવાથી તકલીફ સાથે મુસાફરી કરે ! આવા અસંખ્ય ઉદાહરણો આપી શકાય, 10માંથી 7 વ્યક્તિઓ આ કુટેવનો શિકાર બનેલી છે.
આવો લઈએ પહેલું રિઝોલ્યૂશન:
: રિઝોલ્યૂશન 1 :
સ્ટોપ પ્રોક્રાસ્ટીનેશન (પાછું ઠેલવાનું બંધ કરવું)
"હું આ નવા વર્ષથી મક્કમ નીર્ધાર કરું છું કે કોઈપણ કામ કે વસ્તુને સમયસર અને સ્ફૂર્તિ સાથે પૂરું કરીશ, અને પ્રોક્રાસ્ટીનેશનની કુટેવ માંથી મુક્ત થઈશ.
ડિજિટલ એડિક્શન (ડિજિટલ વ્યસન)
આજના ઝડપી અને ટેક્નોલોજીના યુગમાં ચારેબાજુ ડિજિટલ માધ્યમની બોલબાલા છે તેવામાં તેના પર સંપૂર્ણ પણે નિર્ભર રહેવું અને તેના વગર દિવસ વ્યતીત કરવો કઠિન બની જાય તે હદ સુધી તેનો ઉપયોગ એ ખુબ હાનિકારક સાબિત થાય છે. ડિજિટલ માધ્યમ અગત્યનું છે અને તેનો સુચારુ ઉપયોગ કરવાથી ઘણા ફાયદાઓ થાય છે. પરંતુ આજનો યુવા વર્ગ માત્ર ડિજિટલ લાઈફ જીવતો થઇ ગયો છે જે ખુબજ દુ:ખદાયી વાત કહેવાય. યુવાનો હોય કે મોટી ઉંમર ના લોકો હોય, આજકાલ સોશ્યલ મીડિયાનો ઉપયોગ બધાજ લોકો કરે છે. મનોચિકિત્સકોનું કેહવું છે કે વધુ પડતા સોશ્યલ મીડિયાના ઉપયોગથી માણસ એની અસલી જીંદગીમાં એકલો પડી જાય છે અથવા અમુક કિસ્સાઓમાં તો આવા લોકો ડિપ્રેશન થી પીડાવા લાગતા હોય છે. સવારે ઉઠે ત્યારે સૌથી પહેલા મોબાઈલ ફોન હાથમાં લે અને ફેસબુક અથવા વ્હોટ્સ એપ મેસેજ ચેક કરે ! અને આખો દિવસ એમાં જ રચ્યાપચ્યા રહે, જો ઇન્ટરનેટ ની સુવિધા બંધ થાય તો આવા લોકો એકદમ રઘવાયા થઇ જતા હોય છે, આટલી હદ સુધીની જે ટેવ છે તેને કહેવાય ડિજિટલ એડિક્શન ! આ એક એવું વ્યસન છે જેમાં જેટલું ઊંડા ઉતરીએ તેટલા જ વધુ એના પર નિર્ભર થતા જઇએ અને એક સમયે માણસ હેલ્પલેસ મહેસૂસ કરતો થઇ જાય. આપણે જોઈએ છીએ જાહેર સ્થળો પર લગભગ દરેક વ્યક્તિ હાથમાં રહેલ મોબાઈલ ફોનની સ્ક્રીનને દર 5 મિનિટે જોયા કરે છે ! કોઈપણ કારણ વગર એક બીજી એપમાં જાય અને આમ જ સમય પસાર થઇ જાય. આ વ્યસન માંથી મુક્ત થવા માટે સ્વયં શિસ્ત લાવવી જરૂરી છે, શિસ્ત એટલે કે ડિસિપ્લિન વગર આમાંથી બહાર આવવું અશક્ય છે. આવો લઈએ બીજું રિઝોલ્યૂશન !
: રિઝોલ્યૂશન 2 :
"નવા વર્ષ માં હું ડિજિટલ માધ્યમ અને સોશ્યલ મીડિયાનો ઉપયોગ જરૂરિયાત પૂરતો જ કરીશ અને વગર કારણે મોબાઈલ ફોન હાથમાં નહિ લઉં, મારો સમય મારા અને મારા પરિવાર માટે છે જેનો હું સદુપયોગ કરીશ. ફેસબુક કે અન્ય મેસેજિંગ એપને દિવસ માં બે કે ત્રણ વાર જ જોઇશ
"ચલતા હે અભિગમ અથવા તો (હુ કેર એટિટ્યૂડ)
હમણાં ટૂંક સમય પહેલા ઓક્સફોર્ડ ડીક્ષનરી માં એક નવો શબ્દ ઉમેરવામાં આવ્યો, જે છે "ઇડિયોક્રસી" તેઓનું માનવું છેકે માનવ સમાજમાં હવે એવા લોકોની સંખ્યા વધતી જાય છે જ્યાં લોકો બુદ્ધિનું પ્રદર્શન કરે છે અથવા બિનજવાબદાર અને બેદરકાર થઇ રહ્યા છે. બીજા શબ્દમાં કહીએ તો નિભર લોકો થતા જાય છે. આ ખુબ જ ચોંકવનારી હકીકત છે અને આવનારા ભવિષ્ય ચિંતાનું કારણ પણ છે. લોકો અવારનવાર એવું બોલતા સંભળાય છે કે "ચલતા હે "જવા દો ને કોને પડી છે ! અથવા એવા પણ લોકો છે જે એ વાતનું અભિમાન રાખે છે કે લોકો તેમને "બેફિકરા કહીને સંબોધે છે ! તેઓને મન બેફીકરા હોવું એ ગર્વની વાત છે અથવા તો એક સારું સ્ટેટ્સ છે. પરંતુ આ બેદરકારી કે બિનજવાબદારી અથવા તો "ચલતા હે" એટિટ્યૂડ થી ખુબ જ નુકશાન થાતું હોય છે. યુવાવસ્થા માં બેફીકરા રહેતા વ્યક્તિએ આખું જીવન ફિકર માં કાઢવું પડતું હોય છે.
કોઈપણ સમયે "ચલતા હે" એટિટ્યૂડ બતાવશો નહિ, ખાલી વિચારી જુઓ કે ડોક્ટર ઓપરેશન કરતી વખતે એવું વિચારે કે "ચલતા હે" "કોણ જોવાનું છે" તો દર્દીની શી હાલત થાય? અથવાતો બેન્ક ના એટીએમ મશીન માંથી રૂપિયા કાઢતી વખતે મશીન બે હજારને બદલે હજાર રૂપિયા આપે અને મશીન માંથી અવાજ આવે કે "ચલતા હે યાર" !! તો તમારી કેવી હાલત થાય?! માટે આ કુટેવ માંથી ત્વરિત રીતે મુક્ત થવું જ પડશે. આવો લઈએ ત્રીજું રિઝોલ્યૂશન.
: રિઝોલ્યૂશન 3 :
"હું આ નવા વર્ષથી "ચલતા હે વાળા અને "બેફીકરા અભિગમને બદલી અને સ્વયં શિસ્તબદ્ધ થઈને જીવનને ગંભીરતાથી લઈશ. ક્યારેય બેદરકારી કે બિનજવાબદારી વાળું વર્તન નહિ કરુ
વાંચનની ટેવ :
આજના ઝડપથી બદલાતા સમયમાં અને વૈશ્ર્વિકરણ ના યુગમાં જ્ઞાન એક એવું શસ્ત્ર છે
જે આપણને કોમ્પિટિશનમાં ટકી રહેવામાં ખુબ ઉપયોગી નીવડશે. પરંતુ પ્રશ્ર્ન એ છે કે જ્ઞાન લાવવું કેવી રીતે, અને સૌથી આસાન ઉપાય શું હોઈ શકે? મિત્રો, નોલેજ મેળવવા માટે આમ તો ઘણા અલગ અલગ રસ્તાઓ છે, જેવા કે, શૈક્ષણિક અભ્યસક્રમ માં જોડાવું, અથવા ઓનલાઇન કોર્ષમાં જોડાવું કે પછી કોઈ ક્લાસીસ જોઈન્ટ કરવા, આ બધું કરવામાટે સમય અને અમુક અંશે પૈસાની જરૂર પડે છે, પરંતુ સૌથી સરળ ઉપાય જો કોઈ હોય તો તે છે વાંચન ! હા દોસ્તો, વાંચન એ એક એવી સારી ટેવ છે જેના થી બહુજ નજીવા સમય માં ખુબ સારી જાણકારી અને જ્ઞાન
મળે છે.
કમનસીબે આજકાલ બુક રીડિંગ ની ટેવ છૂટતી જાય છે. વર્ષો પહેલા લોકો ખાસ લાઈબ્રેરી ની મેમ્બરશિપ રાખતા અને ત્યાં જઈને અલગ અલગ પુસ્તકો વાંચતા, પુસ્તકો ના કબાટો ભરેલા હોય તેમાંથી આપણે ગમતું પુસ્તક અથવા તો ગમતા લેખકનું કોઈ પુસ્તક બીજા કોઈ લઇ જાય એ પહેલા આપણે લઇ લઈએ એવી હોડ લાગતી ! પુસ્તકો વાંચવાથી આપણી અંદર જાણે-અજાણે જ્ઞાન અને વિવિધ જાણકારીઓ આવે છે જેના લીધે આપણે કોઈ ગ્રુપમાં હોઈએ અને કોઈ પણ વિષય પર ચર્ચા થાય તો આપણે એમાં ભાગ લઇ શકીએ છીએ. એક અજબ નો આત્મ-વિશ્ર્વાસ પેદા થાય છે, વાંચનના અનેક ફાયદાઓ છે માણસની પરિપક્વતા અને બુદ્ધિશક્તિ એક નવા આયામ પર પહોંચે છે.
વાંચન માટે કોઈ અલગ થી સમય પણ કાઢવો પડતો નથી ! બહાર ટ્રાવેલિંગ કરતી વખતે અથવા બસ માં બેઠા હોઈએ ત્યારે, કે પછી ક્યાંય ગયા હોઈએ અને વેઇટિંગ માં બેઠા હોઈએ ત્યારે કોઈ પણ પ્રકારનું વાંચન કરી શકાય છે. દિવસ માં જો રોજ એક કલાક સારી બુક (નવલકથા નહિ) વાંચવામાં આવે તો મહિનામાં અંદાજે 2 બૂક્સ પુરી કરી શકાય અને એ હિસાબે વર્ષમાં 20 થી 24 બૂક્સ તમે વાંચી શકો છો. જો આ સારી ટેવ વિક્સાવવામાં આવે અને આવનારા 4 વર્ષ નો એક સમયગાળો લઈએ તો અંદાજે તમે 100 બૂક્સ પુરી કરી શકશો !! જે એક નાનકડા વિશ્ર્વ વિક્રમ જેવું જ ગણાશે. આજ થી ચોથા વર્ષના અંતે તમોને આ 100 બૂક્સ માંથી સમયાંતરે મેળવેલ જ્ઞાન અને સ્કિલનો જે ફાયદો મળતો હશે તેના થી હું ચોક્કસપણે કહી શકું કે એક ટોચના સફળ વ્યક્તિની હરોળ માં આવતા થઇ જશો.
દિવસનો માત્ર એક જ કલાક વાંચન માટે આપવાથી સફળતાની ગેરંટી આપી શકાય છે.
: રિઝોલ્યૂશન 4 :
"આ નવા વર્ષ થી શરૂ કરીને આવનારા 4 વર્ષ સુધી હું રોજ ઓછામાં ઓછો એક કલ્લાક જીવન ઉપયોગી બુક વાંચવા માટે કાઢીશ અને 100 બૂક્સ વાંચવાનું લક્ષ્ય એટલે કે ટાર્ગેટ પૂર્ણ કરીશ
લોકોને મદદરૂપ થવું અને કોઈની સાથે દગાખોરીના કરવી એવું પણ રિઝોલ્યૂશન લઇ શકાય અને આવી ઘણી નાની મોટી આદતો છે જેને આપણે આ નવા વર્ષથી બદલવાનું વિચારીએ અને તેના પર અમલ કરીએ
ઉપર દર્શાવેલ આદતોને જો આ નવા વર્ષ માં બદલવામાં આવશે તો ચોક્કસપણે કહી શકાય કે એક નવા સમાજની રચના થશે. ઘણી ખરાબ આદતો હશે પરંતુ ધીરે ધીરે કરીને દરેક આદત બદલી શકાય છે. આપ આપના રિઝોલ્યૂશન પર કાયમ રહો અને મક્કમ પણે તેનો અમલ કરશો તો સફળતા દોડતી આવશે અને ર્માં લક્ષ્મી દેવી પણ પ્રસન્ન થશે !
આપ સહુ વાંચકોને નવા વર્ષના સાલ મુબારક અને ખૂબ ખુબ શુભ કામનાઓ !