આધિ, વ્યાધિ, ઉપાધિને ભૂલી દીપ પર્વમાં રોશન જનજીવનNovember 07, 2018

રાજકોટ તા.7
પ્રકાશ-પ્રગતિ અને પવિત્રતાના પર્વ દિપાવલીની આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે. હિંદુઓના સૌથી મોટા તહેવારની ઉજવણીમાં અબાલ, વૃદ્ધો, મહિલાઓ ઓતપ્રોત બન્યા છે અને દુ:ખ-દર્દો ભુલીને ઉજવણી કરી રહ્યા છે.
આજે દિપાવલીના શુભ મુહુર્તમાં લોકોએ પરંપરાગત ચોપડા પૂજન કર્યા હતાં અને ત્યાર બાદ પરિવાર સાથે ફટાકડા ફોડવાનો આનંદ માણવામાં મશગુલ બન્યા હતાં.
(અનુસંધાન પાના નં.8)
આજની રાત્રે જાણે સૂર્યોદય થશે અને આકાશ રંગબેરંગી ફટાકડાઓથી છવાઈ જશે. લોકો મોડી રાત સુધી ફયાકડા ફોડી દિપાવલી પર્વની ધૂમધડાકા ભેર ઉજવણી કરશે.
આજે દિવાળી, આવતી કાલે ગુરૂવારે નવુ વર્ષ અને શુક્રવારે ભાઈબીજથી લઈ લાભ પાંચમ સુધી લોકો કામ ધંધાના ટેન્સન તેમજ આધિ-વ્યાધિ અને ઉપાધી ભુલી તહેવારોના રંગે રંગાઈ જશે. લોકો ફટાકડા-મીઠાઈ અને શુભેચ્છાની આપ-લેમાં નવા જ ઉત્સાહ સાથે નુતન વર્ષનો પ્રારંભ કરવા ભારે થનગની રહ્યા છે.
આજે પ્રકાશ પર્વ દિવાળી હોય લોકો ઘર આંગણે રંગોળીઓ કરી ઘરની બહાર દિવડાઓ પ્રગટાવી નવા વર્ષને વેલકમ કરી રહ્યા છે. ઉપરાંત મંદિરોમાં પણ પૂજન, અર્ચન અને અન્નકુટ સહિતનાં આયોજનો કરવામાં આવ્યા છે.
ચાલુ વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મંદી, મોંઘવારી ઉપરાંત દુષ્કાળનો પણ માર પડયો છે આમ છતા દિપાવલીનાં તહેવાર પૂર્વે લોકોએ બધુ ભુલી જઈ બુટ-ચંપ્પલ, કપડા, ગૃહ ઉપયોગી રાચ-રચીલુ સહિતની યશાશકતી ખરીદી કરી હતી પરિણામે કાળી ચૌદસની મોડી રાત સુધી વિવિધ બજારોમાં ખરીદીની રોનક જોવા મળતી હતી.
જયારે આજે સવારે બજારો ખુલતા જ ફટાકડાની ધૂમ ખરીદી નીકળી હતી. બાળકો સાથે લોકો ફટાકડાની ખરીદીમાં નીકળી પડયા હતા. જો કે, સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર રાજય સરકારે પણ રાત્રે 8 થી 10 દરમ્યાન જ ફટાકડા ફોડવાની છૂટ આપી હોય લોકોમાં કચવાટની લાગણી પણ જોવા મળી રહી છે.

 
 
 

Related News