ખેડૂતોને 12મી નવેમ્બરથી નર્મદાનું પાણી મળશે

રાજકોટ તા.7
આગામી શિયાળુ-રવિ સીઝન માટે 12મી નવેમ્બરથી નર્મદા ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી અપાશે. નાયબ મુખ્યમંત્રી અને નર્મદા મંત્રી નીતિન પટેલે ગાંધીનગરમાં મોડી સાંજે આ અંગેની સત્તાવાર જાહેરાત કરતા વધુમાં ઉમેર્યું હતું કે, આ પાણી 28મી ફેબુ્રઆરી 2019 સુધી ચાલુ રાખવામાં આવશે. તાજેતરમાં જ ધારાસભ્યો ખેડૂત અગ્રણીઓએ સિંચાઇ માટે નર્મદાનું પાણી આપવાની માગણી કરી હતી. જે સંદર્ભે નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારમાં એવી રજૂઆતો કરાઇ હતી કે, આ વર્ષે રાજ્યભરમાં જરૂરીયાત કરતાં ઘણો ઓછો વરસાદ પડયો છે. ચોમાસુ નબળુ જતા ખેડૂતોનો મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે અથવા તો અપૂરતો થયો છે. હવે શિયાળુ પાકને બચાવવો હોય તો સિંચાઇ માટે નર્મદાનું પાણી આપવું અનિવાર્ય છે. જો પાણી આપવામાં નહીં આવે તો પહેલેથી જ આર્થિક રીતે કફોડી હાલતમાં મુકાયેલા ખેડૂતો પાયમાલ થઇ જશે.
ભાજપનાં કેટલાક નેતાઓ અને આગેવાનોએ પણ સરકારમાં આવી વાત કરી હતી. જેને ગંભીર ગણીને આખરે સરકારે ખેડૂતોનો શિયાળુ પાકને બચાવવા માટે નર્મદા ડેમમાંથી સિંચાઇનું પાણી આપવાનું નક્કી કર્યું છે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, નર્મદા કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને રવિ સીઝનમાં પાણી મળી રહે તે માટે કેનાલમાં 50 ટકાથી વધુ ખેડૂતોએ માગણી કરી હશે. તેઓને ચાર પાણ સુધીની જરૂરીયાત સંતોષાય એ મુજબ
વારાફરતી આ પાણી અપાશે.
હાલમાં નર્મદા ડેમમાં જે પાણી સંગ્રહ થયેલું છે તે ગુજરાતની ચાર કરોડથી વધુ નાગરિકોને પીવાનું પાણી સરળતાથી મળી રહે તેટલો જથ્થો સુરક્ષિત રાખીને આ ચાર પાણ પાણી અપાશે એટલે ખેડૂતોએ આ મુજબ પાકના વાવેતરનું આયોજન કરી લેવાનું રહેશે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં ઓછો વરસાદ પડયો છે પરંતુ ઉપરવાસમાંથી પાણી સતત આવાક ચાલુ રહેતા નર્મદા ડેમની સપાટી 128 મીટરને પાર કરી ગઈ છે. ત્યારે પીવાના પાણીની વર્ષ દરમિયાન સમસ્યા નહી રહે હાલ નર્મદા ડેમમાં પુરતા પ્રમાણમાં પાણી હોવાથી ખેડૂતોને શિયાળુ પાકના પાણ માટે નર્મદાનીર આપવાનો નિર્ણય લેવાયો છે. રવિ સિઝનના પાક માટે જરુરી ચાર પાણ સુધી વારાફરતી પાણી અપાશે. આથી ખેડૂતોએ ચાર પાણમાં તૈયાર થતાં પાકનું વાવેતર કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.