આજે લખનૌમાં નવા નામાધારી સ્ટેડિયમમાં ખેલાશે ઝ-20 જંગ

લખનૌ તા.6
24 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની યજમાનીની તક ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉને અપાવનાર ઇકાના સ્ટેડિયમનું નામ મેચના એક દિવસ પહેલા બદલી નખાયું છે. ઉત્તર પ્રદેશના રાજ્ય પાલ રામ નાયકની મંજૂરીથી તેનું નામ પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 16 ઓગસ્ટે અટલ બિહારી વાજપેયીનું નિધન થયું હતું.
મહત્વનું છે કે, હવે ભારત રત્ન અટલ બિહારી વાજપેયી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ કહેવાનારા સ્ટેડિયમમાં ઘણી ખૂબીઓ છે, જે તેને દેશના બીજા સ્ટેડિયમ કરતા અલગ કરે છે. સૂત્રો પ્રમાણે સ્ટેડિયમનું નામકરણ રાજ્ય સરકાર કરી શકે છે. તેથી લખનઉ વિકાસ અધિકારી, ઇકાના સ્પોર્ટ્સ સિટી પ્રા.લિ. અને જીસી કંસ્ટ્રક્શન એન્ડ ડેવલોપમેન્ટ ઈન્ડસ્ટ્રિઝ પ્રા.લિ. વચ્ચે સમજુતી બાદ લખનઉના ગોમતી નગર વિસ્તારના સેક્ટર 7માં સ્થિત સ્ટેડિયમનું નામ પૂર્વ વડાપ્રધાનના નામ પર રાખવામાં આવ્યું છે.
નોંધનીય છે કે 50 હજાર દર્શકોની ક્ષમતા ધરાવનાર આ સ્ટેડિયમ 71 એકરમાં ફેલાયેલું છે. એક હજાર કાર પાર્ટિંગની સાથે લગભગ પાંચ હજાર ટૂવ્હીલર પાર્કિંગની અહીં વ્યવસ્થા છે. ફ્લડ લાઇટ, મીડિયા સેન્ટર, પેવેલિયન સહિત અને સુવિધાઓ પણ વિશ્વ સ્તરીય છે. ખાસ વાત છે કે વરસાદ થયા બાદ થોડી કલાકોની અંદર આધુનિક ટેકનિકથી પાણી બહાર કાઢીને ગ્રાઉન્ડને રમવા લાયક બનાવી દેવામાં આવે છે.