અઝરુદ્દીને બેલ વગાડ્યો અને ગૌતમ થયો ગંભીર

નવી દિલ્હી તા.6
ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર બધા વિષયો પર સોશિયલ મીડિયા મારફતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતો રહે છે પરંતુ આ વખતે તેના એક ટ્વિટમાં બીસીસીઆઇ અને પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીન પર તેણે નિશાનો સાધ્યો છે. રવિવારે કોલકાતામાં ઈડન ગાર્ડનમાં મોહમ્મદ અઝરુદ્દીનને અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મેચ શરૂ થવા પહેલાં મોહમ્મદ અઝરુદ્દીને પરંપરા અનુસાર પવેલિયનમાં લાગેલો બેલ વગાડ્યો પણ આ વાત ગંભીરને પસંદ ન આવી.
ગૌતમ ગંભીરે મોહમ્મદ અઝરુદ્દીનનો બેલ વગાડતો ફોટો ટ્વીટ કરીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું છે કે, આજે ભલે ભારત મેચ જીતી ગયું પરંતુ હું માફી સાથે કહ્યું છું કે બીસીસીઆઇ, સીએઓ અને ક્રિકેટ બંગાળ હારી ગયું છે. એવું લાગી રહ્યું છે કે ભ્રષ્ટને સહન કરવાની નીતિ રવિવારની રજા પર ચાલી ગઈ છે. મને જાણ છે કે તેમને એચસીએ ચૂંટણી લડવાની પરવાનગી મળી હતી, પરંતુ તે આશ્ચર્યજનક છે. બેલ વાગી રહ્યો છે, આશા છે કે સત્તા આ સાંભળી રહી છે.