ભારત ઈરાન પાસેથી ઓઈલ ખરીદી શકશે: ઞજની ઘોષણા


વોશિંગ્ટન: અમેરિકાએ ઈરાનમાંથી કાચા તેલની આયાત કરવા માટે દુનિયાના જે દેશો પર નિયંત્રણો મૂક્યા હતા એમાંથી ભારતને એણે બાકાત કરી દીધું છે. અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પીઓએ કહ્યું છે કે ચોક્કસ પ્રકારના સંજોગોને ધ્યાનમાં લઈને અમે અમુક દેશોને કામચલાઉ ફાળવણી મંજૂર કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકાએ નિયંત્રણોમાંથી ભારત, ચીન, ઈટાલી, ગ્રીસ, જાપાન, સાઉથ કોરિયા, તાઈવાન અને તૂર્કીને બાકાત રાખ્યા છે. અમેરિકાના આ નિર્ણયને પગલે ભારત હવે ઈરાન પાસેથી કાચું તેલ કોઈ પ્રકારના ટેન્શન વિના આયાત કરી શકશે. અમેરિકાએ અગાઉ ભારત સહિતના દેશોને જાણ કરી હતી કે તમારે 4 નવેમ્બરથી ઈરાનમાંથી ઓઈલની આયાત કરવી નહીં અન્યથા પરિણામો ભોગવવા પડશે, પરંતુ, હવે નવી જાહેરાતને પગલે ભારત પરથી આ નિયંત્રણ હટી ગયું છે અને ભારતને મુક્તિ મળી ગઈ છે. ઈરાન પાસેથી કાચું તેલ ખરીદનાર દેશોમાં ચીન બાદ ભારત બીજા નંબરનો મોટો દેશ છે. અમેરિકા દ્વારા નિયંત્રણોની જાહેરાત બાદ ભારત દર વર્ષે ઈરાન પાસેથી ઓઈલની ખરીદી ઘટાડીને તેનો આંક દર મહિને 1.25 મિલિયન અથવા વાર્ષિક 15 મિલિયન (પ્રતિ દિન 3 લાખ બેરલ) કરવા તૈયાર થયું હતું. ભારતે 2017-18ના વર્ષમાં ઈરાન પાસથી 22.6 મિલિયન ટન (પ્રતિ દિન 4,52,000 બેરલ) ઓઈલ ખરીદ્યું હતું.