સાંડેસરાની બોગસ કંપનીઓ: બેંક પણ દોષિત!

વડોદરા તા.6
રૂ.8100 કરોડની બેંક લોન કૌભાંડના સૂત્રધાર વડોદરાના નીતિન જયંતિલાલ સાંડેસરા અને ચેતન જયંતિલાલ સાંડેસરાની બોગસ કંપનીઓના સરનામા ઝુંડપટ્ટીના મકાન, ચાલીના ઘર, ખાલી મકાનો અને રાહત છાવણીના નીકળ્યા છે. આ ખુલાસો બેંક અને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની ટીમ દ્વારા દરેક કંપનીઓ સરનામા અને ડિરેકટરોની માહિતી એકત્ર કરી તેમાંથી થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા તાજેતરમાં દિલ્હીની કોર્ટમાં મુકવામાં આવેલી ચાર્જશીટમાં પણ આ બાબતનો ઉલ્લેખ કરાયો છે. તો અહીં પ્રશ્ર્ન એ થાય છે કે, આલિયા માલિયાને લોન આપતા પહેલા બેંકો આસામીની પ્રોપર્ટીનો ખૂણેખૂણો ચકાસતી હોય છે. તો સાંડેસરા બંધુઓની કંપનીઓની પ્રોપર્ટીની ચકાસણી કેમ ના કરી? અહીં બેંકોપણ કૌભાંડમાં સામેલ હોય તેવી શંકા જન્મે છે. ઇ.ડી.એ. આ કેસમાં બેંકો સામે કોઇ પણ પ્રકારની કાર્યવાહી કે બંકોની બેદરકારી અને કથિત મિલિભગતનો ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યો છે કે કેમ એ પણ પ્રશ્ર્ન છે જે. સાંડેસરાની ઘણી બોગસ કંપનીઓના જાહેર કરાયેલા સરનામા પણ અસ્તિત્વ ધરાવતા નથી તેમ બેંકની તપાસ ટીમના રીપોર્ટમાં જણાવાયું છે. પેપર ઉપર ઉભી કરેલી કંપનીઓમાં આરઓસીના દસ્તાવેજોની જરૂરીયાત મુજબ ઉભા કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત બોગસ કંપનીઓના નામે પણ સાંડેસરા બંધુઓ દ્વારા લોન લેવાઇ હતી. આ ઉપરાંત જે નાણાં મળ્યા હતા તે વિદેશમાં પણ વગે કરી દેવામાં આવ્યા હતા. હાલમાં ચેતન અને નીતિન સાંડેસરા નાઇજિરીયામાં છે અને નાઇજિરીયામાં તેઓ તેમનો ઓઇલનો બિઝનેશ કરી રહ્યા છે. બેંકોના ફોરેન્સિક ઓડિટ ઉપરાંત ઇડી દ્વારા સાંડેસરાબંધુઓ દ્વારા જે સંપત્તિ ઉભી કરાઇ છે તેની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. સાંડેસરા બંધુઓને કાગળ ઉપર ખોલેલી ઘણી કંપનીઓના ડિરેકટોમાં કંપનીના કર્મચારીઓના નામ મૂકવામાં આવ્યા હતા. ઇડી દ્વારા તાજેતરમાં આ ડિરેકટરો કે જે સ્ટર્લિંગજૂથની કંપનીઓના કર્મચારીઓ હતા તેમને સમન્સ આપવામાં આવ્યા હતા. આ કર્મચારીઓ પણ હાલમાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.