40 ‘દાદીમા’એ ઉજવ્યો ‘સમૂહ બર્થ ડે’

રાજકોટ તા.6
જિવનનની સંધ્યાકાળે લગભગ બધુ જ ‘ભૂલી’ જવાતું હોય છે ત્યારે જન્મ દિવસે કેવી રીતે યાદ રહે? જિંદગીની નેવું-નેવું પાનખર વિત્યા બાદ અચાનક જ કોઇ ‘હેપી બર્થ ડે’ કહે તો? ટંકારાનાં હરબટિયાળીમાં ગઇકાલે કંઇક એવું બન્યુ કે એકી સાથે 40 ‘દાદીમા’ની આંખો છલકી ગઇ!
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંચલા ગીતાબેન મનસુખલાલ સંચાલીત મહાકાલ ગૃપ તથા કુમકુમ ગૃપના સંયુક્ત ઉપક્રમે વડિલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 90 વર્ષથી ઉપરના 40 વૃદ્ધાઓના હસ્તે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ તમામ વૃદ્ધોનું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ બાળકોમાં વડિલો પ્રત્યે અત્યારથી જ આદરની લાગણી જન્મે તથા તેનામાં સારા સંસ્કાર સિંચન થાય તે માટેનો છે. કેક કાપતી વખતે વૃદ્ધોના આંખોમાંથી આસું સરી પડ્યાં હતાં. બાળકોએ વડીલોનું સન્માન કરીને સમાજને નવો રાહ ચીંધ્યો હતો. જેમાં શાલના દાતા કાગદડીના વસંતભાઇ લીંબાસીયા તથા કેકના દાતા રાજકોટના શેર વીથ સ્માઇલ એન.જી.ઓ. ચલાવતા કપીલભાઇ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા તેમજ ટંકારા તાલુકાના પ્રમુખ મધુબેન અશોકભાઇ સંઘાણીએ વડીલોને શાલ ઓઢાડી સન્માનીત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાકાલ ગૃપના બાળકો, હરબટીયાળી ગામના સરપંચ, ઉપસરપંચ, અશ્ર્વિનભાઇ ઢેઢી, અશોકભાઇ સંઘાણી, પ્રકાશભાઇ સાંઘાણી, ભાવેશભાઇ નમેરા, હિતેશભાઇ ઢેઢી, નાથાભાઇ ઢેઢી, કાંતીભાઇ સંઘાણી, દેવરાજભાઇ સંઘાણી, ગીરીશભાઇ સંઘાણી, કિશોરભાઇ ઢેઢી, સહિતના આગેવાનો અને ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી.