ડિજિટલ ગુજરાત: મગફળી નોંધણીમાં ખેડૂતોના ફોતરાં!!

રાજકોટ તા.6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિઝીટલ ઇન્ડીયાનો ગૃહરાજય ગુજરાતમાં જ મહાભગો થયો છે. ડિઝીટલની મસમોટી જાહેરત કરી લોકોને ઓનલાઇન વ્યવહારના આગ્રહી બન્યા છે ત્યારે ગુજરાત સરકારે ઓનલાઇન વ્યવહારના આગ્રહી બન્યા છે ત્યારે ગુજરાત સરકારે ઓનલાઇન કામગીરીમં મોદી સરકારની ધજ્જયા ઉડાડી છે. મગફળીની ઓનલાઇન નોંધણીનો તમામ રેકર્ડ સરકારી તંત્ર પાસે હોવા છતા ખેડુતો પાસેથી દાખલા માંગી બુદ્ધીનું અને ડિઝીટલ ગુજરાતનું દેવાળુ ફુંકવામાં આવ્યુ છે તેમ રાજકોટ ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ ધગધગતા આક્ષેપ કર્યા છે.
મગફળી ખરીદીની નોંધણી તા.1.11.2018 થી શરુ કરી છે અને તા.15.11.2018 થી ખરીદી શરુ થવાની છે. મગફળીની મોસમ શરુ થાય તે પહેલા આયોજન કરવામાં આવતું નથી, ગત વર્ષના અનુભવના આધારે સરકારે વહેલું આયોજન કરવાનું ટાળેલ છે. ટેકાના ભાવની ખરીદીની જાહેરાત સરકાર ખેડુતના સંગઠનોની રજુઆતો બાદ ઇરાદા પુર્વક વિલંબ થયાનું ખેડુતો માની રહ્યા છે. વિલંબિત ખરીદીના કારણે ખેડુતોની દિવાળી બગડી છે ખરીદીનો લાભ સમયસર બધા ખેડુતોને મળશે કે કેમ તે પણ શંકા છે. મગફળી ખરીદીની નોંધણી માટે આધાર કાર્ડ, 7/12, અને 8અ, પાકની નોંધ સાથેના તલાટીના પાણી પત્રક, બેંક ખાતાની પાસબુકની નકલ તથા કેન્સલ ચેક ફરજીયાત બનાવ્યા છે. હકીકતે ખેડુતોનું તમામ રેકર્ડ સરકાર ના આઇ ખેડુત પોર્ટલમાં ઓનલાઇન છે. તેમાંથી ખેડુતોની વિગત ખરાય થઇ શકે તેમ છે. આ ઉપરાંત પાકલોન લેતી વખતે ખેેડુતોના પાકોની વાવેતર જાહેર કરે છે. વીમા કંપનીઓ પણ ક્રોપકટીંગ વખતે નોંધાયેલા પાકના વાવેતર ઘ્યાને લઇને આગોતરી કામગીરી કરે છે તો સરકાર પોતાના હસ્તકના રેકર્ડને ઘ્યાનમાં લેતી નથી, કેમ? અને ખેડુતોને મોસમનું કામકાજ મુકીને નોંધણી માટે ડોકયુમેન્ટ ભેગા કરવા ઓફીસોના ધકકા ખાવા પડે છે તે સમજી ન શકાય તેવી બાબત છે. માત્ર ખેડુતો હેરાન પરેશાન કેમ થાય તેવા પ્રયત્નો ખેડુતો પ્રત્યે રહેમ રાખવાને બદલે કેમ મુશ્કેલીમાં મુકાય તેવા પ્રયત્નો સરકાર દ્વારા થઇ રહ્યા છે. ખેડુતોને જુદા-જેદા હેતુઓ માટે સબસીડી સહાય આપવાની મોટી-મોટી જાહેરાતો કરવામાં આવે છે. તે પણ નાટકી છે. પશુઓ લેવા અને શેડ બનાવવા માટે ચાલુ સાલે રાજકોટ જીલ્લામાં 1083 અરજી ની સામે માત્ર 6 અરજી જ મંજુર થઇ તેવા અહેવાલ તાજેતરમાં પ્રસિદ્ધ થયા છે.
ખેડુતોને સહાય આપવાની જાહેરાતો થાય છે અને સામે કેટલી માંગણી આવે છે અને કેટલી મંજુર થાય છે તેની ટકાવારી અને પ્રમાણ સરકાર જાહેર કરે તો સરકારની નિતી કેટલા અંશે ખેડુતોને ફળદાયી છે, તે જાહેર જનતાને ખબર પડે.
ખેડુતોના સહાય યોજનામાં આગોતરા આયોજન સરકાર નહી કરે તો ખેડુતો ઠેરના ઠેર રહેશે અને 2022 માં આવક ખેડુતોની બમણી કરવાને બદલે અડધી થઇ જશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.
સૌની યોજના, કલ્પશર યોજના તેમજ નવા ચેકડેમની યોજનાઓની જાહેરાતના પ્રમાણમાં કામ ધીમું છે. અને વરસાદના 10 દિવસ અગાઉ જ તળાવો ઊંડા કરવાનું કામ શરૂ કરે છે. જેના પરિણામે નજીવી કામગીરી તેમજ દેખાવ પુરતી કામગીરી થાય છે. ચાલુ સાલે અપૂરતા વરસાદને કારણે મોટાભાગના ડેમો/તળાવો ખાલી છે. ઉંડા કરવાની કામગીરી તરત હાથ ધરવામાં આવે તો પાણીની સંગ્રહ શકિતમાં સારો એવો વધારો થશે. પરંતુ વાતોની જગ્યાએ જો સરકારને કામ કરવું હોય તો હાલ ડેમ બધા ખાલી જ છે.
રાજકોટ માર્કેટીંગ યાર્ડના પ્રતિનિધિઓ એ એવું નિવેદન આપેલ કે ભાવાંતર યોજના બાબતે ખેડુતો કાઇ માંગણી કરેલ નથી તો ખેડુતોના પ્રતિનિધિ તરીકે ભારતીય કિસાન સંઘ છેલ્લા બે મહિનાથી કલેકટરને આવેદનપત્ર તથા રાજકોટ જીલ્લાના તમામ તાલુકામાં મામલતદારને આવેદનપત્ર આપેલ છે તે શું સરકારને ખબર-અંતર પુછવાની ટપાલો લખી છે? આ ઉપરથી તેવું સાબિત થાય છે કે સરકાર પ્રજાલક્ષી નિર્ણય લેતી નથી.
હાલ ખેડુતોએ ખેતીના કામકાજ મુકીને જે 7/12, 8અ, ને પાણી પત્રક જેવા ડોકયુમેન્ટ સરકાર પાસે છે. તે જ ડોકયુમેન્ટ લેવા ખેડુતોને લાઇનમાં ઊભા રાખવામાં આવે છે. અને તેનો સમયને રૂપિયાની બરબાદી છે. તે વ્યવસ્થા ઝડપથી સુધારવામાં નહિ આવે તો મજબુર થઇને આંદોલનનો માર્ગ અપનાવવો પડશે.
કિસાનસંઘના જીલ્લા પ્રમુખ દિલીપભાઇ સખીયા, મંત્રી ઘનશ્યામભાઇ કોટડીયા, ભરતભાઇ પીપળીયા, જીવનભાઇ વાછાણી, મનોજભાઇ ડોબરિયા, જીતુભાઇ સંતોકી, કિશોરભાઇ સગપરીયા, બચુભાઇ ધામી, સી.એલ.રૈયાણી, રામભાઇ માલધારી, ઠાકરશીભાઇ પીપળીયા, જેન્તીભાઇ રાણપરીયા વગેરેએ રજુઆત કરી છે.