મહિલા તલાટીનું બાવડું પકડી નંદાણાના યુવાને કરી બીભત્સ માગ

જામખંભાળિયા તા.6
કલ્યાણપુર તાલુકા બાંકોડી ગામે રહેતી અને તલાટી-મંત્રી તરીકે ફરજ બજાવતી એક યુવતિ તેની ફરજ પર હતી, ત્યારે ગઈ તા.26મી ઓકટોબરથી અવાર - નવાર નંદાણા ગામના ભરત ભીમશીભાઈ ચાવડા નામના શખ્સે તે મહિલા તલાટી પાસે અવાર - નવાર ફોનમાં બિભત્સ માગણી કરી હતી.
આટલું જ નહીં, આરોપી શખ્સે નિર્લ્લજ હુમલો કરી, લાજ લેવાના ઈરાદે બાવડું પકડીને બિભત્સ માગણી કરતા આ સમગ્ર બનાવના અનુસંધાને પોલીસે મહિલા તલાટીની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ 354, 506, 189 મુજબ ગુનો નોંધી, પીએસઆઈ કે.એન. ઠાકરિયાએ આગળની તપાસ હાથ ધરી છે.
બાઈક સ્લીમ થતાં મોત
દ્વારકા તાલુકાના દેવપરા ગામે રહેતા માંડણમાં બાપુભા માણેક નામના 48 વર્ષના યુવાન તેમના મોટરસાઈકલ પર બેસીને મીઠાપુરના દેવપરા ગામના પાટિયા પાસેથી જઈ રહ્યા હતા, ત્યારે તેમનું બાઈક સ્લીપ થઈ જતાં તેમને ગંભીર ઈજાઓ થવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.
આપઘાત
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રણમલભાઈ રાજશીભાઈ મારુ નામના 55 વર્ષના કોળી પ્રૌઢએ કોઈ અગમ્ય કારણોસર ઘઉંમા નાખવાની ઝેરી દવા પી લેતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ તેમના પુત્ર પુંજાભાઈ મારુએ પોલીસને કરી છે.
મહિલા ઉપર હુમલો
દ્વારકામાં શબીલ ચોક, નરસંગ ટેકરી પાસે રહેતા રોશનબેન હુશેન આમદભાઈ મોદી નામના 55 વર્ષના ભડેલા મુસ્લિમ મહિલાના ઘર પાસે દારુ પીને ગાળો બોલતા રાયાભા ગગાભા માણેક (ઉ.39)ને ગાળો બોલવાની ના કહેતા તેણે ઉશ્કેરાઈને રોશનબેનને લોખંડના સળિયા વડે માર મારી ફેકચર સહિતની ઈજાઓ કરી હતી. આટલું જ નહીં, આરોપી શખ્સે જો રોશનબેન ફરિયાદ કરશે તો તેમના દિકરાને જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસે આઈ.પી.સી. 323, 32પ, 504, 506(2) તથા જી.પી. એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી છે.