જામનગરમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, ચાર શખ્સ પકડાયા

ક્ષ એલ.સી.બી.ની ટીમે રંગમતી નદીના પટમાંથી પકડી લીધા
જામનગર તા.6
જામનગરમાં ચાર દિવસ પહેલા બે વેપારી દુકાન પાસેથી રૂપિયા બાર હજારની રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હતી જે ગુન્નામાં એલ.સી.બી. પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે.
જામનગરમાં આદર્શ કોલોનીમાં રહેતા નેહલભાઇ રજનીકાંતભાઇ પેખડ નામનો મહાજન વેપારી યુવાન પોતાનાં મીત્ર સાથે ચારેક દિવસ પહેલા ગુલાબનગર વિસ્તારમાંથી મોટર કાર માર્ગે પસાર થતો હતો. ત્યારે ચાર શખ્સોએ તેને આંતર્યો હતો અને ભય બતાવી, રૂા. બાર હજારની રોકડ રકમની લુંટ ચલાવી હતી.
આ બનાવ અંગે એલ.સી.બી. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં તેમને બાતમી મળી હતી કે લૂંટ કરનાર ચાર શખ્સો હાલ રંગમતી નદીના પટ પાસે ઉભા છે.
આથી એલ.સી.બી. પોલીસે દરોડો પાડયો હતો અને સાજીદ ઉર્ફે ઠેડો, હુશેનભાઇ હમીરાણી (રે. રવિપાર્ક ગુલાબનગર), તૌસીફ અશરફભાઇ બાબવાણી (રે. નવનાલા, ગુલાબનગર, સદામ ગુલામભાઇ જીવરાણી (રે. ગુલાબનગર) અને અશરફ રહીમભાઇ આમરોલીયા (રે. દુધ સાગર રોડ, રાજકોટ) ને ઝડપી લીધા હતા.
પોલીસે તેમના કબ્જામાંથી એક મોટર સાયકલ અને એક ઇકો મોટરકાર કબ્જે કર્યા હતા.