જામનગરમાં લોહાણા સમાજ દ્વારા જલારામ જયંતીની થશે ભવ્ય ઉજવણી

જામનગર તા.6
આગામી બુધવાર તા.14-11-2018 ના રોજ પૂ.જલારામબાપાની જન્મજયંતીનો ઉત્સવ આવી રહેલ હોય તે પ્રસંગને ધામધુમથી ઉજવવા લોહાણા સમાજ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જામનગર મુકામે છેલ્લા 19 વર્ષથી શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ લોહાણા સમાજના નવલોહીયા યુવાન કાર્યકરો દ્વારા જલારામબાપાની જન્મજયંતીનો તહેવાર ઉજવવામાં આવી રહેલ છે. પ્રતિ વર્ષ સમસ્ત લોહાણા સમાજમાં જલારામબાપાની જન્મ જયંતિ ઉજવવા ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવે છે. તે જ રીતે આગામી જલારામ જયંતિનો તહેવાર ઉજવવાના એક ભાગરૂપે જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા તા.10 નવેમ્બરને શનિવારના રોજ રાત્રીના 8 કલાકે જલારામ નગર, પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્ર-ગુજરાતના સુપ્રસિધ્ધ હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા તથા યુવા લોકસાહિત્યકાર પારસભાઇ પાંધીના લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. તા.11 નવેમ્બરને રવિવારના સાંજના પ.30 કલાકે લોહાણા સમાજના ભાઇઓ તથા બહેનો માટે ખેલશે રઘુવંશી દાંડીયારાસ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સમાજના યુવા ભાઇઓ-બહેનો-બાળકો જોડાઇ શકશે તેમજ તા.13 નવેમ્બરને મંગળવારના રોજ સાંજે 6 થી 7 કલાકે મહિલા સ્વયંસેવક સંમેલન તથા રાત્રે 8.30 કલાકે યુવા સ્વયંસેવક સંમેલન રાખવામાં આવેલ છે. સમસ્ત લોહાણા જ્ઞાતિના સમુહ ભોજન (નાત)નું આયોજન પણ સવારના 11 થી 3 વાગ્યા દરમ્યાન જલારામનગર, પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે તેમજ લોહાણા જ્ઞાતિના સમુહ ભોજન અગાઉ સવારે 10 થી 11 વાગ્યા દરમ્યાન સમસ્ત સારસ્ત બ્રાહ્મણ જ્ઞાતિ સદસ્યો માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે.
વિશેષમાં જણાવવાનું કે તા.10 નવેમ્બરને શનિવારના રોજ રાત્રીના 8 કલાકે જલારામનગર, પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલ લોકડાયરામાં સર્વે જલારામ ભક્તોને પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
ઉપરોક્ત તમામ કાર્યક્રમો દબદબાભેર ઉજવવા જલારામ જયંતિ મહોત્સવ સમિતિના યુવાન આયોજન ટીમના સદસ્યો જીતુભાઇ લાલ, રમેશભાઇ દતાણી, મનોજભાઇ અમલાણી, અનીલભાઇ ગોકાણી, અતુલભાઇ પોપટ, ભરતભાઇ મોદી, રાજુભાઇ મારફતીયા, નિલેશભાઇ ઠકરાર, રાજુભાઇ હિંડોચા, રાજુભાઇ કોટેચા, મધુભાઇ પાબારી તથા મનીષભાઇ તન્નાના નેજા હેઠળ 700 જેટલા યુવાન કાર્યકરો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ તમામ કાર્યક્રમોમાં સમસ્ત લોહાણા સમાજને પરીવાર સહિત ઉપસ્થિત રહેવા શ્રી જલારામ જયંતિ સમિતિ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.