રાજકીય ઈશારે ખોજાબેરાજાની કિંમતી જમીન હડપ કરવાના પ્રયાસથી ચકચાર

રાજકોટ તા.6
મહેર સમાજના આગેવાનો દ્વારા જિલ્લાના અધિકારીઓ સમક્ષ ચોંકાવનારી રજૂઆત ગઈ હતી કે રાજકીય ઓથ ધરાવતા બિલ્ડર જમન ફળદુના ઇશારે પોલીસે હાઇકોર્ટમાં મેટર પેન્ડિંગ હોવા છતાં ખોજા બેરાજા ગામની જમીનનો કબજો લેવા પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે.
જામનગરના એક બિલ્ડર સહિત ત્રણ ધંધાર્થીઓ સામે ખોજા બેરાજાની મહિલાની જમીન પચાવી પાડવા રાજકિય ઇશારે પોલીસે સત્તાનો દુરઉપયોગ કર્યો હોવાની ચોંકાવનારી રજૂઆત મહેર સમાજના આગેવાનોએ કલેકટર અને એસ.પી. સમક્ષ કરી છે. આ અંગેની સાંપડતી વિગતો અનુસાર જામનગરના બિલ્ડર જમનભાઇ ફળદુ સહિતના ત્રણ ધંધાર્થીઓ સામે જામનગર તાલુકાના ખોજા બેરાજાના લીલુબેન ગોગનભાઇ મોઢવાડિયાએ કરેલી અરજીમાં એવો આક્ષેપ કરાયો છે કે, ખોજા બેરાજાના રે. સર્વે નં. 672, 673 તથા 376 વાળી ખેતીની જમીનનો વર્ષ 1979 થી વેંચાણ કરાર સાથે કબજો ધરાવીએ છીએ. આ જમીનના દસ્તાવેજ ઇકબાલભાઇ કરી આપતા નહીં હોવાથી હાઇકોર્ટમાં સ્પે. સિવિલ એપ્લિકેશન ન્યાયાધિન છે.
આ પરિસ્થિતિ વચ્ચે પંચકોશી નબીથ ડિવિઝન સબ ઇન્સ. એમ.આર. વાળાએ તા. 30.10.18 ના રોજ અરજદાર લીલુબેનને પત્ર પાઠવી આ જમીનના આધાર પૂરાવા રજૂ કરવા જણાવ્યું હતું અને એ પછી તા. 02.11.18 ના રોજ રાજકિય ઇશારે પોલીસે સત્તાનો દુરૂપયોગ કરી વાદગ્રસ્ત જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી જમીન ખાલી કરાવવા અને કબજો છીનવી લેવા પ્રયાસ કર્યો હતો.
ગુજરાતમાં ભૂમાફીયાઓ પર અંકુશ રાખવા માટે પોલીસ તંત્રને સ્પષ્ટ સૂચના અપાયેલી છે કે, જે વિવાદી જમીનના કેસ કોર્ટમાં ચાલતા હોય તેવા કિસ્સામાં પોલીસે કોઇ પણ જાતની ડખલગીરી કરવી નહીં. આમ છતાં રાજકિય ઓથ ધરાવતા બિલ્ડર જમનભાઇ ફળદુએ પોલીસનો દુરુપયોગ કરી જમીન પચાવી પાડવા કાવત્રું રચ્યું હોવા અંગે કાયદેસર પગલાં લેવા માંગણી કરવામાં આવી છે. આજે આ રજૂઆત માટે મહેર સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એસપી તથા કલેકટર કચેરી પર એકઠા થયાં હતાં. આ કિસ્સાએ શહેરના રાજકિય વર્તુળોમાં પણ ભારે ચકચાર જગાવી છે.