ધોરાજીના ફરેણી ધામમાં સપાત શતાબ્દી જન્મજયંતિ મહોત્સવની તડામાર તૈયારી

રાજકોટ, તા.6
સ્વામિનારાયણ સંપ્રદાયનું ઉદ્ગમ બિંદુ ગણાતું ફરેણીધામ એક નાનકડું ગામ છે.
આજથી 217 વર્ષ પૂર્વે ભગવાન સહજાનંદસ્વામી મહાપ્રભુએ પોતાના ગુરૂ ઉદ્વવાવતાર સદ્ગુરુ રામાનંદસ્વામીના સ્વધામ સિધાવ્યા પછીના ચૌદમાના દિવસે ફરેણીમાં ભરાયેલી પચીસ હજાર અનુયાયીઓની સત્સંગ સભામાં પોતાના વેદોક્ત નામ "સ્વામિનારાયણનો મહામંત્ર સ્વમુખે ઉદ્ઘોષિત કર્યો, ઉદ્વવ સંપ્રદાયને "સ્વામિનારાયણ સંપ્રદાય તરીકેની નવી ઓળખ મળી.
સદ્ગુરુ રામાનંદસ્વામીએ પોતાની હયાતીમાં સ્વહસ્તે સ્થાપન કરેલા કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ આજે પણ ભક્તોના કષ્ટ કાપીને એમને દુ:ખ મુક્ત કરતા દર્શન આપે છે. આ એ સ્થાન છે જ્યાં સુદ્ગુરુ રામાનંદસ્વામીએ પોતાની દેહલીલા સંકેલીને સ્વધામગમન કરેલું. ભદ્રાવતી વાવ પાસે એમનો અગ્નિ સંસ્કાર થયેલોએ જગ્યાએ છત્રી છે.
આવુ મહાપ્રસાદીભૂત એવું આ સ્થાન અગમ્ય કારણોસર કંઇક અંશે સુષુપ્ત રહેલું. ઇ.સ.2003 માં પ.પૂ. સદ્. જોગીસ્વામી ધર્મપ્રસાદજીસ્વામીના શિષ્ય શાસ્ત્રી બાલકૃષ્ણદાસજીસ્વામીએ આ સ્થાનમાં નિવાસ કર્યો અને સહજાનંદ સંસ્કારધામની સ્થાપના કરી. છેલ્લાં પંદર વર્ષોથી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી સંસ્થાના માધ્યમથી પૂ.સ્વામીનું સંત-પાર્ષદ મંડળ હરિભક્તોના સહકારથી અનેકવિધ ધાર્મિક, શૈક્ષણિક અને સામાજીક પ્રવૃતિઓ કરી સમાજ ઘડતરની દિશામાં યત્કિંચિત્ યોગદાન આપી રહેલ છે.