જૈન-જૈનેતરની આસ્થાનું પવિત્ર સ્થાન: મહુડીNovember 06, 2018

રાજકોટ,તા.6
મહુડી એ પવિત્ર યાત્રાધામ છે. આ યાત્રાધામ જૈનોના 24 તીર્થક્ષેત્રમાંનું એક છે અને તે પણ પોતાનું વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ તીર્થ જૈનેતર દરેકની આસ્થાનું સ્થાન છે. આ તીર્થક્ષેત્ર 2000 વર્ષ જેટલું પ્રાચીન મનાય છે.
બે કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલ આ મંદિરની ટોચે સોનાનો કળશ છે. આ આખું મંદિર આરસપહાણથી બનેલું છે.
પ્રણ્મયશ્રી મહાવીરં, સર્વજ્ઞા દોષર્વિજતમ્
કૃમતં ખંડનં કુર્વે, જૈન શાસ્ત્રવિરોધિનામં
ઘંટાકર્ણમહાવીર, જૈનશાસનરક્ષક
તસ્ય સહાયસિધ્ધયર્થ, વચ્મિ શાસ્ત્રાનુસારત:
આ સુપ્રસિધ્ધ મંદિરનો ઈતિહાસ જોઇએ તો સેંકડો વર્ષ પૂર્વે પ્રાચીન મહુડી ગામમાં પદ્મપ્રભુસ્વામી ભગવાનનું જિનાલય હતું. સાબરમતી નદીના અતિ પ્રચંડ પૂરને કારણે મહુડી ગામ ભયમાં આવી જતા અગ્રણી જૈનોએ નવું ગામ વસાવી ત્યાં વસવાટ કરી નૂતન જિનાલય બનાવી મૂળ નાયક પદ્મપ્રભુસ્વામી, આદેશ્ર્વરસ્વામીની પ્રતિષ્ઠા સવંત 1974માં માગશર સુદ 6ના દિવસે આચાર્ય બુધ્ધિસાગર સૂરીશ્ર્વરજી દ્વારા કરવામાં આવી તથા પૂ.ગચ્છાધિપતિ કૈલાસસાગર સૂરીશ્ર્વરજી અને પૂ.સુબોધસાગર સૂરીશ્ર્વરજી મ.સા.ની નિશ્રામાં 27 જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું અને ત્યારથી આ મહાન તીર્થનો વિકાસ થયો.
આચાર્ય બુધ્ધિસાગર સૂરીશ્ર્વરજીએ ફક્ત 12 દિવસના અલ્પ સમયમાં મહાપ્રભાવિક મૂર્તિનું ચારિત્રયવંત બે શિલ્પકારો પાસે નિર્માણ કરાવી પદ્મપ્રભુસ્વામી જિનાલયની બાજુમાં ઘંટાકર્ણ વીરની સ્થાપના વિ.સં. 1978માં કરવામાં આવી, ત્યારબાદ વિ.સં. 1980માં પદ્મસ્વામી જિનાલયની જમણી બાજુમાં નવીન ભવ્ય દેવ મંદિરમાં યોગનિષ્ઠ બુદ્ધિસાગર સૂરીશ્ર્વરજી મ.સા.ના પાવન હસ્તે પ્રતિષ્ઠા કરાવી. અહીં આવતા યાત્રાળુઓની સગવડતા માટે ભોજનશાળાનું તથા યાત્રાળુઓ માટે અદ્યતન ધર્મશાળા પણ ઉપલબ્ધ છે.
મહુડી ગાંધીનગરથી 48 કિલોમીટર તથા વિજાપુરથી 10 કિલોમીટરના અંતે આવેલું છે. પાકા રસ્તાઓથી જોડાયેલું હોવાથી રાજયનાં અન્ય શહેરોમાંથી એસ.ટી.ની સુવિધાઓ ઉપલબ્ધ છે.
કાળીચૌદસના દિવસે ઘંટાકર્ણ મહાવીરનો યજ્ઞ યોજાય છે. શ્રધ્ધાળુઓ પગના અંગૂઠાથી માથા સુધીની લંબાઈની નાળાછડી અથવા લાલ રંગની કંદોરી જેની 108 ગાંઠો વાળે છે.
જૈન મુનિઓ, યતિઓ, શ્રી પૂજકો, શ્રાવકો, ઘંટાકર્ણવીરના મંત્ર જપે છે અને તેમની આરાધના કરે છે. મહુડીમાં શ્રી પદ્મપ્રભુના અધષ્ઠિાયક તરીકે શ્રી ઘંટાકર્ણ મહાવીરની સ્થાપના કરી છે. તે પ્રભુભક્તોને સહાયકારી થાય છે. જેના અનેક ચમત્કારો સંભળાય છે. ઘંટાકર્ણ મહાવીર દેવ પહેલાં પૂર્વ ભવમાં એક આર્ય રાજા હતા. તે સતીઓનું, સાધુઓનું તેમજ ધર્મી મનુષ્યોનું રક્ષણ કરવામાં જીવન ગાળતા હતા. દુષ્ટ રાક્ષસ જેવા મનુષ્યોના હુમલાઓથી ધર્મી પ્રજાનું રક્ષણ કરતા હતા. તેમને સુખડી પ્રિય હતી. તેઓ અતિથિઓની સેવાભક્તિ કરતા હતા અને ઘણા શૂરા હતા.
જૈનોના મંદિરમાં મૂળ નાયક તીર્થંકરના યક્ષ-યક્ષિણી વગેરેનું સ્થાપન કરેલું હોય છે. પ્રભુની પ્રતિમાની નીચે દેવી હોય છે અને બહારના મંડપના ગોખલાઓમાં અનેક પ્રકારના શસ્ત્ર-ધારક યક્ષ-યક્ષિણીની મૂર્તિઓ મંત્રથી પ્રતિષ્ઠિત કરેલી હોય છે. જૈનો માને છે કે મંત્રમાં સંમોહનની ભક્તિ છે. તે મંત્રના બળે દેવો આવે છે અને સહાય કરે છે. ઘંટાકર્ણ વીર ચોથા ગુણ-સ્થાનકવાળા દેવ છે. આથી તે ગૃહસ્થ જૈન શ્રાવકના બંધુ ઠર્યા. આથી જ ગૃહસ્થ જૈનો તેમની સુખડી ખાય છે. અહીં સુખડીનો પ્રસાદ ભાવિકો માટે સંભારણું બની રહે છે. આ પ્રસાદ ઘરે કે મંદિરની બહાર લઇ જવાતો નથી તે એક વિશેષતા છે.