વીર પરમાત્માની અંંતિમ દેશના : ઉત્તરાધ્યયન સૂત્ર

દિવસ-2
વીર પરમાત્માની સમ્યક્ રીતે અંકિત થયેલી વાણી ઉત્તરાધ્યયન સૂત્રમાં દર્શાવવામાં આવી છે. પરમાત્મા મહાવીરે નિર્વાણના ત્રણ દિવસ પહેલા સતત 48 કલાક દેશના આપી. આ ઉત્તરાધ્યયન સૂત્રમાં 36 અધ્યયનમાંથી ગયા અંકમાં બાર અધ્યયન મનન ચિંતન કર્યુ આજે આગળ જોઇએ.
13: ચિત્તસંભૂતીય : આ અધ્યયનમાં ચિત્ર અને સંભૂત નામના બે ભાઇઓના છ જન્મોની પૂર્વકથાનું વર્ણન છે. પુણ્યકર્મના નિયાણ બંધને કારણે ભોગાસક્ત સંભૂત (બ્રહ્મદત્ત ચક્રવર્તી)ના જીવનનું પતન તથા સંયમી એવા ચિત્ત મુનિનું ઉત્થાન બતાવી જીવોને ધર્માભિમુખ બનવાનો તથા તેના ફળની અભિલાષા ન કરવાનો ઉપદેશ આપ્યો છે તેમાં એ પણ બતાવ્યું છે, કે કોઇ વ્યક્તિ જો સાધુધર્મનું પાલન ન કરી શકે તો તેણે ગૃહસ્થ ધર્મનું પાલન તો અવશ્યમેવ કરવું જોઇએ. આમાં 35 ગાથાઓ છે.
14: ઈષુકારીય : 53 ગાથાઓમાં ઈષુકાર નગરના છ જીવોની દીક્ષાનું વૈરાગ્ય ઉત્પન્ન કરે તેવું વર્ણન હોવાથી તેનું નામ ઈષુકારીય રાખ્યું છે. તેમાં પતિ-પત્ની તથા પિતા-પુત્રની વચ્ચેનો સંવાદ દાર્શનિક વિષયો સાથે સંબંધ હોવા છતાં પણ પ્રભાવ ઉત્પન્ન કરે છે.
15: સભિક્ષુ : 16 ગાથાના આ અધ્યયનમાં સાધુના સામાન્ય ગુણોનું વર્ણન છે. દરેક ગાથાના અંતમાં ‘સભિક્ખૂ’ પદ મૂકેલ છે. એટલે આ અધ્યયનનું નામ ‘સભિક્ષુ’ રાખ્યું છે. દશવૈકાલિકના 10મા અધ્યયનનું નામ પણ ‘સભિક્ખૂ’ છે.
16: બ્રહ્મચર્ય- સમાધિસ્થાન : 17 ગાથાઓમાં બ્રહ્મચર્યની રક્ષા માટે 10 વાતોના ત્યાગની આવશ્યકતા બતાવી છે. બ્રહ્મચર્યનું મહત્ત્વ પ્રગટ કરનાર આ અધ્યયનમાં ગદ્ય અને પછી પદ્યમાં પુનરાવર્તન કર્યુ છે.
17: પાપશ્રમણીય : તેમાં પથભ્રષ્ટ સાધુનું વર્ણન હોવાથી તેનું નામ પાપશ્રમણીય રાખ્યું છે. તેની 21 ગાથાઓમાંથી 3જી ગાથાથી 19મી ગાથા સુધી દરેક ગાથાના અંતે ‘પાવસમણે ત્તિ વુચ્ચઈ’ પદ મૂકેલું છે.
18: સંજય : આ અધ્યયનમાં 54 ગાથાઓ છે, જેમાં રાજર્ષિ સંજયની દીક્ષાનું વર્ણન છે. તેની સાથે પ્રસંગોપાત અનેક રાજાઓનો ઉલ્લેખ છે. જેમણે સાધુધર્મમાં દીક્ષિત થઇને મુક્તિ પ્રાપ્ત કરી હતી.
કેટલાક ટીકાકારો એ આ અધ્યયનનું સંસ્કૃત નામ ‘સંયતીય’ લખ્યું છે, જયારે પ્રાકૃતમાં સંજઈજજં નામ છે. સંજય રાજાનું વર્ણન હોવાથી સંજય નામ બરાબર છે. ‘યાકોબી’ તથા ‘નિર્યુક્તિકાર’ની પણ આજ માન્યતા છે.
19. મૃગાપુત્રીય : મૃગાપુત્રની વૈરાગ્યોત્પાદિકા કથા 99 ગાથામાં કંડારવામાં આવી છે. પોતાના માતા પિતા સાથે થયેલ સંવાદ પણ બોધપ્રદ છે. સાધુના આચારનું કથન કરી પ્રસંગોપાત નારકીય કષ્ટોનું વર્ણન આપવામાં આવ્યું છે. મૃગચર્યાના દ્રષ્ટાંતથી ભિક્ષાચર્યાનું વર્ણન આપવામાં આવ્યું છે. અહીં મૃગચર્યાનો ઉલ્લેખ હોવાથી આ અધ્યયનનું નામ ‘સમવાયાંગ’માં મૃગચર્યા આપ્યું હોય તેમ સંભવે છે, પાછળથી મૃગાપુત્રની પ્રધાનતા હોવાથી ‘મૃગાપુત્રીય’ નામ આપ્યું હોય એમ પ્રતીત થાય છે.
20: મહાનિર્ગ્રન્થીય: તેમાં 60 ગાથાઓ છે. અનાથી મુનિ અને રાજા શ્રેણિકની વચ્ચે સનાથ અને અનાથક વિષયક સંવાદ રોચક છે. તે મુનિનું પ્રવ્રજયાના કારણે આ નામ ‘અનાથ પ્રવ્રજયા’ આપ્યું હોય, પ્રસ્તુત આગમોમાં આનું નામ મહાનિર્ગ્રંથીય મળે છે. તેનો સંકેત આ અધ્યયનની બે ગાથાઓમાં છે. મહાનિર્ગર્ંથીયનો અર્થ-સર્વવિરતિ સાધુ છે. ક્ષુલ્લક નિર્ગ્રંથીય અધ્યયનથી (અ.6.) વિશેષ વર્ણન હોવાને લીધે આનું નામ ‘મહાનિર્ગ્રંથીય’ છે.
21: સમુદ્રપાલીય : આ અધ્યયનમાં 24 ગાથા છે. એમાં વણિક પુત્ર સમુદ્રપાલની કથાની સાથે પ્રસંગને અનુરૂપ સાધુના આચારોનું પણ વર્ણન છે.
22: રથનેમીય : 51 ગાથાના આ અધ્યયનમાં મહત્ત્વપૂર્ણ વાત બતાવી છે. આમાં રથનેમિજીને ઉન્માર્ગમાંથી સત્પથ પર લાવતા રાજીમતીએ કરેલ ઉદ્બોધન અત્યંત હૃદયસ્પર્શી છે. પ્રસંગોપાત પ્રભુશ્રી અરિષ્ટનેમિ, શ્રી કૃષ્ણ, રાજીમતી, રથનેમિ આદિનું ચરિત્ર ચિત્રણ છે.
23. : કેશીગૌતમીય : આમાં પાર્શ્ર્વનાથના શિષ્ય કેશી અને મહાવીરના શિષ્ય ગૌતમની વચ્ચે એક જ ધર્મમાં સચેલ-અચેલ,4 મહાવ્રત અને 5 મહાવ્રત જેવા પરસ્પર વિપરીત દ્વિવિધ ધર્મના વિષયભેદને લઇને સંવાદ થાય છે તેનું કારણ બતાવતાં કહ્યું છે કે સમયને અનુસરીને બાહ્યાચારમાં પરિવર્તન થતું રહે છે અને થશે. આ સંવાદને લીધે આ અધ્યયન અનેક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ બન્યું છે. આમાંથી વર્તમાનમાં પ્રચલિત ધર્મવિષયક મતભેદોના સમન્વયની પ્રેરણા મળે છે. કુલ ગાથાઓ 89 છે.
24: સમિતીય : ‘નેમિચંદ્ર વૃત્તિ’માં આનું નામ ‘પ્રવચનમાતા’ આપ્યું છે. આમાં પ્રવચન માતા અર્થાત્ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનો પ્રયોગ હોવાથી સમિતિય નામ ઉપયુક્ત છે. તેમાં ગાથાઓ 27 છે.
-પૂજય સાધ્વી
શ્રી શીલરત્નાશ્રીજી મ.સ.
જિન આજ્ઞા વિરૂધ્ધ કાંઇ પણ લખાયુ હોય તો મિચ્છામિદુકકડમ્
(ક્રમશ:)