શ્રીશ્રી રવિશંકરજીનું આગમન: ગોંડલમાં ભૂવનેશ્ર્વરી દેવીનું પૂજન કર્યું

રાજકોટ તા.6
આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા યોજાનાર વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજ રોજ સવારે શ્રીશ્રી રવિશંકર મહારાજનું ગોંડલમાં આગમન થયું હતું. ભૂવનેશ્ર્વરી દેવીના મંદિર ખાતે પૂજ્ય ગુરૂદેવે પૂજન કર્યુ હતું જેમાં દીપકભાઇ પંજાબી ભારતીદીદી, નીલેશભાઇ ચંદારાણા રાજેશભાઇ ત્રિવેદી ડો. વી.વી. દુધાત્રા, મહેશભાઇ પુજારી, નરેન્દ્રભાઇ નથવાણી, ભુપેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. મંદિરમાં ચરણપાદુકા પૂજન અને મહાયજ્ઞ સંપન્ન થયો હતો. ગુરૂદેવનાં આગમનથી સાધકોમાં અપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છો. સોમનાથ મહાદેવમાં રૂદ્રપૂજા અને સત્સંગ બાદ આવતીકાલે રાજકોટમાં અષ્ટલક્ષ્મી યજ્ઞ, દિવાળી પૂજન અને મહાસત્સંગ યોજાશે.
રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર આર્ટ ઓફ લીવીંગ પરિવાર દવારા ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરના સાનિધ્યમાં બે દિવસમાં ત્રણ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અષ્ટલક્ષ્મી હોમ એટલે કે નારાયણ પૂજા પહેલી વાર સૌરાષ્ટ્રમાં આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા યોજવામાં આવે છે.
આદિલક્ષ્મી, ધનલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, સંતાનલક્ષ્મી, વિજયલક્ષ્મી અને રાજલક્ષ્મીનો અદ્ભુત સમન્વય સમા અષ્ટલક્ષ્મી હોમ દ્વારા, ધન, ધાન્ય, હિંમત, જ્ઞાન, સફળતા, સંતાન, સદભાગ્ય અને શક્તિ એમ આઠ પ્રકારનો વૈભવ મેળવવા માટે અષ્ટલક્ષ્મી યજ્ઞ કરવામાં આવે છે. આ ઉત્સવને લઇને સૌરાષ્ટ્રમાં અત્યારે આધ્યાત્મિક માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજીના સાનિધ્યમાં દીપોત્સવનો લાભ લેવા માટે.
દિવાળીના પાવન પર્વનિમિત્તે આવતીકાલે ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજીનું સવારે 11 કલાકે રાજકોટમાં આગમન થશે અને સાંજે રાજકોટના હાર્દ સમા રેસકોર્ષ મેદાનમાં અષ્ટલક્ષ્મી યજ્ઞ, દિવાળી પૂજન અને મહાસત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનો લાભ સૌરાષ્ટ્રભરમાંથી એક લાખ કરતા પણ વધારે લોકો લેશે. વધુ માં વધુ લોકો ગુરૂદેવની હાજરીમાં યોજનાર આ ઉત્સવનો લાભ લે એવી વિનંતી રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
રાજકોટ રેસકોર્ષ મેદાનમાં આ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આર્ટ ઓફ લીવીંગ પરિવારના સભ્યોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટીચરો અને સ્વયંસ્વેકો રેસકોર્ષ મેદાનમાં સેવા આપી રહ્યા છે. આવતી કાલે હજારોની સંખ્યામાં સ્વયં સેવકો ખડેપગે રહેશે.   આઠ પ્રકારનો વૈભવ મેળવવા અષ્ટલક્ષ્મી હોમ
યજ્ઞનું એક આગવુ મહત્વ છે આપણા ઋષિમુનિઓના સમયથી ચાલતુ આવે છે. યજ્ઞ અથવા હવનમાં આહુતિ અને મંત્રો ઉચ્ચાર સાથે શક્તિ પ્રગટ થાય છે અને એ શક્તિથી દેવી યંત્ર બને છે. આપણા જીવનના આવતા વિધ્નોને એ દેવી શક્તિ યંત્ર દૂર કરે છે.દિવાળીના શુભ દિવસે ગુરુદેવ શ્રીશ્રી રવિશંકરની હાજરીમાં જે અષ્ટલક્ષ્મી યજ્ઞ થવાનો છે. એમાં આઠ પ્રકારનો વૈભવ મેળવવા માટે આ યજ્ઞ કરવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન ચાર પ્રકારની ચૌદશ આવે છે. શિવરાત્રી પહેલાની ચૌદશ, ચૈત્ર મહીનાની ચૌદશ, ભાદરવી ચૌદશ અને કાળી ચૌદશ અને કહેવામાં આવે છે કે કાળી ચૌદશએ સૌથી ભારે ચૌદશ હોય છે અને આ ચૌદશના બીજા દિવસે એટલે પૂનમના દિવસે મંત્રો ઉચ્ચાર અને હવનમાં આહુતિ આવી. જે ગ્રહોની ભારે અસર હોય છે. દશા પ્રમાણે એ આ યજ્ઞથી દુર થાય છે.