મોદી કેદારનાથમાં ઉજવશે દિવાળી

નવી દિલ્હી: પીએમ મોદીએ દેશનાં અલગ અલગ સ્થળોએ દિવાળી મનાવવાની પરંપરા શરૂ કરી છે. આ પરંપરા અનુસાર વડા પ્રધાન મોદી આ વખતની દિવાળી કેદારનાથમાં ભગવાન શંકરની નિશ્રામાં ઊજવશે તેના માટેની તૈયારીઓ પણ પુરજોરમાં ચાલી રહી છે, જોકે તેને માટે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી પરંતુ પીએમ મોદી 6 નવેમ્બરથી કેદારનાથની યાત્રાએ જઈ રહ્યા છે અને દિવાળી ત્યાં મનાવશે. પીએમ મોદી ઉત્તરાખંડ સ્થિત કેદારનાથથી લગભગ 400 મીટર ઊંચી ધ્યાનગુફા સહિત હિમાલયી ધામનાં દર્શન કરશે. રુદ્રપ્રયાગ કલેક્ટર મંગેશ ઘિલ્ડિયાલે કહ્યું કે ધામથી લગભગ 400 મીટર ઊંચે બનેલી ધ્યાનગુફા શ્રદ્ધાળુઓ માટે એક વધારાનાં આકર્ષણ સમાન છે જે વડાપ્રધાનની પ્રસ્તાવિત યાત્રા
દરમિયાન પ્રર્દિશત કરવામાં આવશે.
કેદારનાથમાં ચાલી રહેલી પરિયોજના પર દેખરેખ રાખી રહેલા વડા પ્રધાન કેટલીક યોજનાઓનું ઉદ્ઘાટન પણ કરે તેવી સંભાવના છે. સૂત્રોના મતે આ યોજનાઓની જાહેરાત માટે પણ આંતરિક રીતે તૈયારીઓ કરાઈ રહી છે.
તેમણે કહ્યું કે પીએમ મોદી 6 નવેમ્બરે કેદારનાથ આવી રહ્યા છે તેને માટેની તૈયારીઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદીએ આ પહેલાં કાશ્મીરમાં જવાનો સાથે દિવાળી મનાવી હતી. દેશમાં અલગ અલગ સ્થળોએ દિવાળી મનાવવાની તેમણે એક વિશેષ પરંપરા શરૂ કરી છે.