26 લાખની ઉઘરાણી કરતા વેપારીને એસિડ પાઈ મોતને ઘાટ ઉતારી દીધોNovember 06, 2018

રાજકોટ તા. 6
રાજકોટ શહેરમાં વધતી જતી ગુનાખોરી વચ્ચે સામા કાંઠાના એક ચાંદીના વેપારીને 26 લાખની ઉઘરાણી મુદ્દે જીયાણા ગામે બોલાવી માર મારી એસિડ પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવતા કુવાડવા રોડ પોલીસે હત્યા અંગે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો સામા પક્ષે આરોપીને પણ છરીના ઘા ઝીંકાયા હોવાની રાવ સાથે હોસ્પિટલમાં દાખલ થતા તેની પણ ફરિયાદ નોંધવામાં આવી હતી.
રાજકોટના સંત કબીર રોડ ઉપર કબીરવન સોસાયટીમાં રહેતા અને ઘરમાં જ ચાંદીકામ કરતા જયેશ છગનભાઇ રામાણી નામના 35 વર્ષીય પટેલ યુવાનને જીયાણા ગામે રહેતા કિશોર ચનાભાઈ રામાણી નામના પટેલ ધંધાર્થી સાથે ચાંદીની લેવડ દેવડ ચાલતી હતી જે ધંધાના 26 લાખ રૂપિયા જયેશભાઈને લેવાના નીકળતા હતા જે રકમની ઉઘરાણી માટે જયેશભાઈએ 20 જેટલા ફોન કર્યા હોવા છતાં કિશોરભાઈએ ફોન રિસીવ કર્યા ન હતા અને અંતે બપોરે સામેથી ફોન આવ્યો હતો અને તમારા પૈસા લઇ જાવ તેવું જણાવ્યું હતું બાદમાં જયેશભાઇ તેના મિત્ર સાથે બાઈક લઈને કિશોરના રાધા-મીરા પાર્કના ઘરે ગયા હતા ત્યાં પત્નીએ કિશોરભાઈ જીયાણા ગામે ગયા હોવાનું જણાવતા જયેશભાઇ જીયાણા ગામે કિશોરભાઈના ઘરે ગયા હતા ત્યારે કિશોરભાઈ રામાણી તેના પિતા ચનાભાઈ અને જીતેન્દ્ર સહીત ત્રણ શખ્સોએ અચાનક જ હુમલો કરી દીધો હતો અને જયેશભાઈને પરાણે સરફેલિક એસિડ પીવડાવી દીધું હતું જેથી મૂર્છિત અવસ્થામાં તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અહીંયા ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હતું ઘટનાની જાણ થતા પરિવારજનો અને ડીસીબી રવિ મોહન શૈની, એસીપી એસ આર ટંડેલ, કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીઆઇ મોડિયા, હીરાભાઈ રબારી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો જયેશભાઈના પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કર્યો હતો અને જ્યાં સુધી પોલીસ દ્વારા હત્યાની કલામ હેઠળ ગુનો ન નોંધાય અને આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો બાદમાં પોલીસે હત્યા અંગે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરતા મામલો થાળે પડ્યો હતો અને પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી લીધો હતો.
જયારે સામા પક્ષે હોસ્પિટલમાં દાખલ થયેલા કિશોરભાઈ ચનાભાઈ રામાણીએ પણ વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓએ એકાદ વર્ષ પહેલા મૃતક જયેશભાઇ પાસેથી 5 લાખનો ચાંદીનો માલ લીધો હતો જે પૈસાની ઉઘરાણી માટે જયેશભાઇ તેના મિત્ર સાથે જીયાણા ગામે ગયા હતા અને પૈસા નહિ આપતા બંનેએ છરીના બે ઘા જીકી દીધા હતા જેથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 
 
 

Related News