આશા ભોંસલેને 18મીએ વડનગરમાં સન્માનિત કરાશેNovember 06, 2018

મહેસાણા: વડનગરની બે દીકરીઓ તાના-રીરીની સંગીત સાધનાને સન્માન આપી રાજ્ય સરકાર દ્વારા સિદ્ધહસ્ત કલાકારોને તાનારીરી સંગીત સન્માન એવોર્ડ અપાય છે. વર્ષ 2017નો આ એવોર્ડ પદ્મશ્રી આશા ભોંસલેને, જ્યારે વર્ષ 2018નો એવોર્ડ પદ્મભૂષણ એન. રાજમ અને રૂપાંદે શાહને સંયુક્ત રીતે એનાયત થનાર હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. આ એવોર્ડ 18 નવેમ્બરના રોજ વડનગર ખાતે તાનારીરી સમાધિ સ્થળે યોજાનાર તાના-રીરી મહોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે એનાયત કરાશે. વડનગરની કલાધારિણી બહેનો તાના અને રીરીને સૂરાંજલિ અર્પણ કરવા તાના-રીરી સમાધિ સ્થળે દર વર્ષે કારતક સુદ નોમ અને દશમના દિવસે યોજાતો દ્વિ-દિવસીય તાના-રીરી મહોત્સવ આ વર્ષે 17 અને 18 નવેમ્બરે યોજાનાર છે. જેમાં પદ્મશ્રી આશા ભોંસલે, પદ્મભૂષણ શ્રી એન. રાજમ, રૂપાંદે શાહ સહિત 11 કલાકારો તેમના સૂરીલા કંઠે ગીત-સંગીત આરાધનાનો લ્હાવો આપશે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બે દિવસીય સંગીત સાધના મહોત્સવની તૈયારી હાથ ધરાઇ છે. તાનારીરી મહોત્સવના પ્રથમ દિવસે તા.17મી નવેમ્બરના રોજ સાંજે 7 કલાકે સાયલી તલવરકર, પિયુબેન સરખેલ, હેતલ મહેતા અને મુંજાલ મહેતા, મહેશ્વરી નાગરાજન સહિતના કલાકારો સંગીતની આરાધના રજૂ કરશે. જ્યારે બીજા દિવસે તા.18મીએ સાંજના 7 કલાકે પદ્મશ્રી આશા ભોંસલે, પદ્મભૂષણ શ્રી એન. રાજમ, રૂપાંદે શાહ, સાધના સરગમ, ધારા ભટ્ટ, ગજાનનભાઇ સાલુકે અને ઋષિકેશ મજમુદાર સહિતના કલાકારો સંગીતકલાનાં કામણ પાથરી દર્શકોને ડોલાવશે. એવોર્ડની શરૂઆત 2010માં મોદીએ કરાવી’તી. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2010થી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ક્ષેત્રને ગૌરાંન્વીત કરતો તાનારીરી સંગીત સન્માન એવોર્ડની શરૂઆત કરાઇ હતી. જેમાં સૌપ્રથમ એવોર્ડ સૂરસામ્રાજ્ઞી લતા મંગેશકર અને ઉષા મંગેશકર બહેનોને સંયુક્ત રીતે અર્પણ કરાયો હતો. એવોર્ડમાં તામ્રપત્ર, શાલ તેમજ રૂ.5 લાખ રોકડ પુરસ્કારથી સન્માનિત કરાય છે.