ફાયરબ્રિગેડ 24/3 એલર્ટ

 તમામ કર્મચારીઓની
રજા રદ, સ્ટેશન ન છોડવાના આદેશ
રાજકોટ તા.6
આવતીકાલે દિવાળીનું મહાપર્વ હોવાથી શહેરમાં ઠેકઠેકાણે લોકો અને ખાસ કરીને બાળકો ફટાકડા ફોડીને ઉત્સવની ઉજવણી કરશે. દર વર્ષે ફટાકડાના કારણે આગજનીના બનાવો બનતા હોય છે ત્યારે ફાયરબ્રિગેડ દ્વારા સતર્કતાથી કામગીરી હાથ ધરી લોકોની અને જાનમાલની રક્ષા કરવામાં આવતી હોય છે. ઉપરોકત બાબતને લઇને આવતીકાલે દિવાળીના દિવસે મનપાના ફાયર વિભાગ દ્વારા 24/3 એલર્ટ આપી ગમે તેવી પરીસ્થિતિને પહોંચી વળવા ખડેપગે તૈયાર થયા છે.
ફાયર વિભાગના ચીફ બી.જે.ઠેબાએ જણાવેલ કે શહેરના અતિ ગીચ વિસ્તારો તેમજ ફટાકડાનું વેચાણ થતું હોય તે પ્રકારના તમામ વિસ્તારોનો સર્વે હાથ ધરી શહેરની મુખ્ય પાંચ જગ્યાએ કામચલાઉ ફાયર સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે. આગજનીના બનાવ વખતે ટ્રાફીકનું અડચણ ન થાય તે રીતે બનાવના સ્થળે ઝડપથી પહોચી શકાય એટલા માટે અલગ-અલગ પાંચ સ્થળોએ ફાયર બંબો, ફાયરમેન અને અન્ય સાધન સામગ્રી સાથે સ્ટાફને ખડેપગે રહેવાની સુચનાઓ આપવામાં આવી છે તેમજ તહેવારો દરમ્યાન મુકવામાં આવેલ તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે તેમજ દરેક કર્મચારીઓને ફાયર સ્ટેશન અને અન્ય સ્થળે કામગીરી સોપવામાં આવી હોય તેવા તમામ સ્થળો ન છોડવાનો આદેશ કરવામાં આવ્યો છે. આગજનીના બનાવ સમયે તુરંત ફાયર વિભાગને ફોન કરવાની શહેરીજનોને સુચના આપવામાં
આવી છે.