આતશબાજીમાં અરાજકતા, ક્રિકેટ પીચ અને ગ્રાઉન્ડની ઘોર ખોદાઈ ગઈNovember 06, 2018

રાજકોટ તા,6
રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નં.3ના કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી શહેર કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાની સંયુકત યાદી મુજબ શહેરીજનોને જેની આતુરતાપૂર્વક રાહ હોય છે. તેવા મહાનગરપાલિકાની આતશબાજીમાં અરાજકતા સર્જાઈ હતી. પીચ અને ગ્રાઉન્ડની પણ ઘોર ખોદાઈ ગઈ છે. અંદાજે 6 લાખના જે ફટાકડાઓ આ વર્ષે ફોડાયા તેમાં કાંઈ નવીન હતું નહીં, લેઝર શો પણ ભંગાર હોય સૌથી વધુ જનમેદની આ કાર્યક્રમમાં થાય છે. તેની શાસકોને જાણ હોવા છતાં પુરતી સલામતી વ્યવસ્થા હતી નહીં, મહાનગરપાલિકામાં સલામતી ખર્ચ 10 કરોડથી વધુ છે ત્યારે શાસકો અને વિજીલન્સને જાણ હોવા છતાં ગેઈટ પાસે ભારે અંધાધુંધી અરાજકતા અને ધક્કામુક્કી સર્જાઈ હતી. બાળકો સાથે આવેલા શહેરીજનોને મહાનગરપાલિકાની બોદી સલામતી વ્યવસ્થાનો ફરજિયાત સામનો કરવો પડ્યો હતો.
શહેરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન આચાર્ય પણ એક સમયે ગોથે ચઢયા હતા. ટ્રાફિક વ્યવસ્થા અને સલામતી વ્યવસ્થા જાળવવાની જેની જવાબદારી હતી તેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખુરશી નાખીને આતશબાજીના ગ્રાઉન્ડમાં બિરાજમાન થઈ ગયા હતા. પાર્કિંગ વ્યવસ્થા ખાડે હતી. પાર્કિંગની જગ્યાએ ખાણી - પીણીની રેંકડીઓનો ખડકલો થઈ ગયો હતો અને રેંકડીઓ સ્ટેન્ડ ટુ થઈ જવા છતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ કે મનપાની વિજીલન્સ કે એસ્ટેટ શાખાએ ધ્રુતરાષ્ટ્રનીતિ દાખવતા સ્કુટરો કે ગાડી પાર્કિંગ કરવામાં અને કાર્યક્રમ પૂર્ણ થતા કાઢવામાં કલાકો થઈ ગયા હતા.
અંદાજે 1500 ખુરશીઓ વીઆઈપી માટે રાખવા છતાં આ ખુરશીઓ ઓછી પડી હતી. આ વર્ષે વીઆઈપી કાર્ડ કોર્પોરેટરોને ઘેર 20 નંગ મોકલાતા તે મોકલવામાં ના આવ્યા છતાં પણ ખુરશીઓ કાર્યક્રમના 1 કલાક પહેલા હાઉસફુલ થઈ ગઈ હતી. કાર્ડમા સાંજે 7 કલાકનો સમય દર્શાવેલ અને જાહેરાત પણ સાંજે 7 કલાકની કરવામાં આવી.
સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈનની ખબર
ન્હોતી ? કાર્યક્રમ કોર્ટના આદેશ મુજબ 8 કલાકે ચાલુ થતા લોકો સાંજે 6:30 કલાકે આવી જતાં બાળકોને 1॥ કલાક સુધી ફરજિયાત શાસકોની ભાષણબાજી સાંભળવી પડી હતી.
રાજકોટમાં લોકમેળામાં લાખોની મેદની હોવા છતાં પ્રવેશ દ્વારે વ્યવસ્થા સુદ્રઢ હોય છે ત્યારે આ વ્યવસ્થા પરથી મનપાએ બોધપાઠ લેવાની જરુર છે. યોગ્ય બેડીગેટ અને પુરતી વ્યવસ્થા જાળવવી અતિ આવશ્યક અને જરુરી હોવી જોઈએ. તેમ અંતમાં દિલીપભાઈ અને ગજુભાએ જણાવ્યું હતું.