ગુજરાતની ‘તાત્કાલિક સારવાર’ યોજના ‘મરણ November 06, 2018

રાજકોટ તા.6
ગત વિધાનસભા ચૂંટણી વેળાએ રાજય સરકારે અનેક પ્રજાલક્ષી જાહેરાતો કરી હતી, તેમાની એક ‘અકસ્માત તત્કાલ સહાય’ યોજના હવે મરણ પથારિએ હોય તેવું લાગે છે. મોટાભાગની હોસ્પિટલો ‘રાજય સરકારે આવી કોઇ યોજના બનાવી જ નથી’ તેમ કહીને હાથ અધ્ધર કરી લે છે. તો સરકાર પણ યોજના પરત્વે ગંભીર નહીં હોવાનું ફલિત થયું છે.
ગુજરાતનાં કોઈપણ વિસ્તારમાં થયેલા અકસ્માતમાં ઈજા પામનારી વ્યક્તિને પ્રથમ 48 કલાક સુધી કોઈપણ ખાનગી હોસ્પિટલ- દવાખાનામાં 50 હજાર સુધીની સારવાર નિ:શુલ્ક અપાશે તેવી જાહેરાત સરકારે 9-5-18ના રોજ કરી હતી. આ યોજનાનો ચુસ્ત રીતે અમલ કરવાની ગુલબાંગો પણ ફુંકાઈ હતી.
આ યોજનાનું સંપૂર્ણ મોનિટરીંગ રાજ્યકક્ષાએથી કરવાની વાત પણ કહેવાઈ હતી. પરંતુ છ મહિના બાદ સંખ્યાબંધ દર્દીઓને થયેલા અનુભવોને ધ્યાનમાં લેતાં જણાઈ આવે છે કે આ યોજના સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. આમ છતાં સરકાર કે આરોગ્ય ખાતુ કોઈ કાર્યવાહી કરતું નથી. સરકારે યોજના જાહેર કરી ત્યારે કહ્યું હતું કે, ગુજરાતની હદમાં ગુજરાત બહારના કે અન્ય રાષ્ટ્રના કોઈપણ નાગરીક હોય, તમામને તમામ સરકાર કે ખાનગી હોસ્પિટલોમાં નિ:શુલ્ક સારવાર અપાશે. ઘવાયાના પ્રથમ 48 કલાકમાં જો ઉત્તમ સારવાર મળે તો દર્દીઓનું જીવન બચી શકે છે.
નાના મોટા ઓપરેશનો, સિટી સ્કેન, એમઆરઆઈ, અલ્ટ્રા સાઉન્ડ વગેરેની સારવારનો તમામ ખર્ચ જે-તે હોસ્પિટલોને સીધે સીધો રાજ્ય સરકાર દ્વારા ચૂકવાશે. અસરગ્રસ્ત દર્દીઓને 48 કલાકની અંદર સારવાર પેટે કોઈ નાણાં ચૂકવવાના રહેશે નહીં. સરકારે ચાલુ વર્ષ માટે 30 કરોડની જોગવાઈ પણ કરી છે.
આ યોજના જાહેર કરાયાના ગણતરીના દિવસોમાં જ ફરિયાદ આવવા માંડી હતી કે, ખાનગી હોસ્પિટલો - દવાખાનામાં ડોક્ટરો નિ:શુલ્ક સારવાર આપવાની ના પાડે
છે. એ સમયે સરકારે ફરીથી ખાનગી હોસ્પિટલનાં મેનેજમેન્ટને ચેતવણી આપી હતી કે જો નિ:શુલ્ક સારવારનો ઈન્કાર કરશો તો તમારા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે. જોકે ત્યાર પછી પણ ફરીયાદો ચાલુ જ રહી છે. હોસ્પિટલો - ડોક્ટરોને સરકારનો જરાય ડર નથી. નામ આપો, હોસ્પિટલોને હું સીધી કરીશ: નીતિન પટેલ
આ અંગે કોઈએ આરોગ્યમંત્રી નીતિન પટેલનું ધ્યાન દોરતા તેઓએ ખાતરી આપી હતી કે તમે મને દર્દીનું હોસ્પિટલનું નામ સહિતની વિગતો આપો. જેથી હું જે-તે દર્દી પાસેથી લેવાયેલા નાણા પરત અપાવું અને હોસ્પિટલોને સીધી કરી શકું. જ્યારે દર્દીઓ કહે છે કે આવી વાતોનો કોઈ જ અર્થ નથી. આવી કોઇ યોજના જ નથી હોસ્પિટલો રોકડું પરખાવે છે
તાજેતરમાં જ અકસ્માતની ગંભીર ઘટનાઓમાં ખાનગી હોસ્પિટલોએ દર્દીઓ પાસેથી એડવાન્સમાં રોકડા રૂપિયા મુકાવ્યા હતા. દર્દીઓનાં સગા-સંબંધીઓએ સરકારની નિ:શુલ્ક સારવારની યોજના અંગે પૂછ્યું તો હોસ્પિટલોએ એવો જવાબ આપ્યો કે સરકારની આવી કોઈ જ યોજના નથી !! અમને પરિપત્ર પણ નથી અપાયો. સરકાર માત્ર ચૂંટણીલક્ષી જાહેરાતો જ કરે છે !!
સરકાર પૈસા આપતી નથી: હોસ્પિટલો
જ્યારે કેટલીક હોસ્પિટલો એવા બ્હાના કરી રહી છે કે અમે જો દર્દીની નિ:શુલ્ક સેવા કરીએ તો સરકાર અમને તેના નાણા ચૂકવશે નહીં !! તો અમુક હોસ્પિટલના તંત્રએ તો એવો આક્ષેપ કર્યો કે અમે નિ:શુલ્ક સારવાર આપીને સરકારમાં બિલ મોકલ્યું હતું જે ચૂકવવા માટે આરોગ્ય વિભાગના અધિકારીઓ કમિશન માગે છે. અમને સરકાર તરફથી જલ્દી રકમ મળતી નથી. અમે કઈ રીતે નિ:શુલ્ક સેવા આપી શકીએ?