ડુપ્લીકેટ ઘડિયાળના કારખાનામાંથી 1.50 કરોડની ટેક્સ ચોરી પકડાઈ

રાજકોટ, તા. 6
તાજેતરમાં સેન્ટલ જીએસટીની પ્રિવેન્ટીંગ વિંગ દ્વારા ડુપ્લીકેટ ઘડીયાળના કારખાનામાં દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં ખ્યાતનામ કંપનીના ઘડીયાળનું વેચાણ કરી વેપાર કરતા કારખાનામાંથી 1.50 કરોડની ટેક્ષ ચોરી પકડાઈ છે 15 ટકા વ્યાજ સાથે રકમની ભરપાઈ કરવા વેપારીને સુચના આપવામાં આવી છે.
સુત્રોમાંથી મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર આવેલ ગોકુલનગરમાં એક રહેણાક મકાન અને બે કારખાના સાથેના યુનિટમાં સેન્ટલ જીએસટીની પ્રિવેન્ટીંગ વિગ દ્વારા કારખાનામાંથી બ્રાન્ડેડ કંપનીઓની ડુપ્લીકેટ ઘડીયાળો બનાવીને વેપાર કરવાનું કૌભાંડ ઝડપ્યુ હતું જેમાં થોકબંધ સાહિત્ય કબજે કર્યુ હતું. અને આ કારખાનું પટેલ વેપારી યુપીના એક શખ્સ સોથે ભાગીદારીમાં ચલાવતુ હોવાનું ખુલ્યુ હતું.
તપાસનીશ ટીમે કારખાનામાંથી પેનડ્રાઈવ, કોમ્પ્યુટર સહિતના દસ્તાવેજો અને હિસાબો જપ્ત કરવામાં આવ્યા હતાં તેમજ કારખાનાની તપાસ કરતા ફાસ્ટટ્રેક, રાડો અને સીટીઝન કંપનીની ઘડીયાળો વેચવાનું માલુમ પડયુ હતું આ વેપાર છેલ્લા એક વર્ષથી ચાલતુ હતું અને કરોડોનું ટર્ન ઓવર થવા છતા ટેક્ષ ભરવામાં આવ્યો નથી જેવુ તપાસમાં માલુમ પડયુ હતું. સેન્ટ્રલ જીએસટીની ટીમે કરોડોનો ડુપ્લીકેટ તૈયાર માલ પણ સીલ કર્યો હતો.
પાંચ દિવસ સુધી ચાલેલી તપાસમાં દસ્તાવેજોની ચકાસણી કરતા રૂા.1.50 કરોડની ટેક્ષ ચોરી પકડાઈ હતી. બન્ને ભાગીદારોને 15 ટકા વ્યાજ સાથે આ રકમ ભરવાની સુચના અપાઈ છે. અન્યથા 100 ટકા પેનલ્ટી કરવામાં આવશે તેમ અધિકારીએ જણાવ્યુ હતું.
વધુમાં અધિકારીએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં શહેરમાં ઘણી જગ્યાએ તપાસ કરવામાં આવશે અને કરચોરી કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ડુપ્લીકેટ ઘડીયાળના વેપારી સામે તપાસ કરતા કરચોરી કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.