થાનમાં પથ્થરના ઘા મારી પતિનું ઢીમ ઢાળી દેતી પત્નિ

દારૂ પીવાની ટેવવાળા પતિના ત્રાસથી કંટાળી પત્નીએ હત્યા કરી
વઢવાણ તા.19
થાનના હીરનગરમાંથી મળેલ પુરૂષની લાશનો ભેદ ઉકેલાયો છે વારંવાર ઝગડો કરવાની ટેવવાળા પતિને પત્નિ એજ પતાવી દીધાનું પોલીસ તપાસમાં બહાર આવતા હત્યાની આરોપી પત્નીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ થાનના હીરનગરમાંથી ગુરૂવારના રોજ અજાણ્યા પુરૂષની લાશ મળી હતી પોલીસે તપાસ કરતા ઉપરોક્ત લાશ હેમતભાઇ નથુભાઇ સુરેલાની હોવાનું ખુલતા પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો ગુનો નોંધાયો હતો ત્યારબાદ પોસમોર્ટમ રીપોર્ટ આવતા શખ્શની હત્યા થયાનું ખુલતા પોલીસે જીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતકના પરિવારજનો અને આડોશ પાડોશમાં પુછપરછ હાથ ધરતા મૃતકને તેની પત્ની સાથે અવાર-નવાર ઝગડાઓ થતા હોવાનું જાણવા મળતા પોલીસે મૃતકની પત્ની કંકુબેનની આગવી ઢબે પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને પોતે જ પતિની હત્યા કર્યાનું કબૂલ્યુ હતું.
મૃતકની પત્ની કંકુબેને જણાવેલ કે પોતાનો પતિ દારૂ પીવાની ટેવવાળો હોવાથી દરરોજ પતિ-પત્નિ વચ્ચે ઝગડાઓ થતા હતા જેમાં મંગળવારની રાત્રે પતિ-પત્નિ વચ્ચે ઝગડો થતા કંકુબેને હેમતભાઇના માથામાં પથ્થર વડે વાર કરી તેની હત્યા કરી નાખી હતી અને લાશને ઢસડીને હીરનગરના ખુલ્લા મેદાનમાં મૂકી ઘરે આવી સુઇ ગયા હતા કંકુબેનની કબૂલાતના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.