20 દિવસ પૂર્વે હત્યા કરી નાસી છૂટેલો બૂટલેગર ઘાતકી હથિયારો સાથે ઝડપાયોOctober 13, 2018

દારૂ અને હથિયારના 5 ગુનામાં હતો વોન્ટેડ: ઉર્સમાં પોલીસે વેશપલટો ધારણ કર્યો હતો

રાજકોટ તા.13
રાજકોટ શહેરમાં 20 દિવસ પૂર્વે નોંધાયેલ હત્યાના ગુનામાં અને પ્રોહીબીશનના 5 ગુનામાં નાસ્તો ફરતો ધર્મનગર આવાસ યોજનાનો બુટલેગર અને તેના બે સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોડી રાત્રે પિસ્ટલ, કાર્ટીસ અને ત્રણ છરી જેટલા હથિયારો સાથે દબોચી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ ટોળકી અગાઉ ઉનાવા ખાતે ઉર્ષમાં હોવાની બાતમી મળતા પોલીસે વેશપલટો કરી વોચ ગોઠવી હતી પરંતુ ત્યાંથી નાસી છૂટ્યા હતા.
ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગીરાહે મળેલી હકીકત આધારે રૈયા ચોકડી નજીક વોચ ગોઠવી હતી અને વોચ દરમિયાન જી જે 10 ટી ડબલ્યુ નંબરની ઓટો રીક્ષા પસાર થતા તેને અટકાવી તેમાં બેઠેલા ધર્મનગર આવાસ યોજનાના મહેબૂબખાન ઉર્ફે મેમલો હુસેનખાન પઠાણ, મીરાંનગરનો કૃણાલ ઉર્ફે કિશન અરવિંદભાઈ ગંગદેવ અને જામનગરના નવાગામનો મોહસીન ઉર્ફે રાજુ અન્વારભાઈ સફિયા મળી આવતા ત્રણેયને સકંજામાં લઇ રિક્ષાની જડતી લેતા અંદરથી એક દેશી બનાવટની પિસ્ટલ, 4 જીવતા કાર્ટીસ, ત્રણ છરીઓ સહિતના હથિયારો મળી આવતા પોલીસે હથિયારો અને રીક્ષા સહીત 85,430 રૂપિયાનો મુદામાલ કબ્જે લીધો હતો આરોપીઓ ઉનાવા ખાતે ચાલતા હજરત મીરા સૈયદ અલી દાતારની દરગાહના ઉર્ષમાં હોવાની બાતમી મળતા પોલીસે કુર્તા, ટોપી પહેરીને ઉષ્મા બે દિવસ વોચ ગોઠવી હતી પરંતુ ત્યાંથી આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
મહેબૂબ ખાન પઠાણે ભાણેજ શાહરુખ, કિશન, શાહરુખ ઉર્ફે કાળિયો, જંગલેશ્વરનો જાડિયા અને અજાણ્યા શખ્સોએ 20 દિવસ પૂર્વે પ્રેમમંદિર નજીક હાર્દિક નામના યુવાન પર ધોકા પાઇપથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મહેબૂબખાન પઠાણ અગાઉ રાજકોટના યુનિવર્સીટી, ડીસીબી અને ધ્રોલમાં દારૂ અને હથિયારના 5 ગુનામાં વોન્ટેડ હતો તેમજ અઢાર વર્ષ પૂર્વે અમરેલીમાં હત્યાના ગુનામાં અને રાજકોટ શહેર, ગ્રામ્ય અને અમરેલીમાં દારૂના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.