અંધાધૂધી બાદ ત્રણ મહિના ઓનલાઇન પ્લાન મંજૂરી બંધ

શ્રીગણેશાય....ધબાય નમ:....રાજ્ય સરકારનો સોફ્ટવેર ન ચાલ્યો: છ મહિનાની ‘કુસ્તી’ બાદ

રાજકોટ, તા.13
રાજકોટ સહિત રાજ્યભરમાં રાજ્ય સરકારે બાંધકામ માટે અમલી બનાવેલ ઓનલાઇન ડેવલપમેન્ટ પ્લાન સિસ્ટમ (ઓડિપીએસ)માં ગણેશ ઉંધા બેઠા હોય તેમ ઓનલાઇન પ્લાન પાસ કરાવવામાં ભારે અંધાધૂધી સર્જાઇ હતી અને બિલ્ડરો દ્વારા ઢગલાબંધ ફરિયાદ કરવામાં આવી હતી અને રાજ્ય સરકારે ત્રણ મહિના માટે ઓનલાઇન પ્લાન બંધ કરવાનો નિર્ણય લીધો છે.
ક્રેડાઇના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે ઓડીપીએસમાં હાઇરાઇઝર અને લો-રાઇઝડમાં છેલ્લાં પાંચ-છ મહિનાથી પ્લાન મંજૂર ન થતા બાંધકામ ઉદ્યોગ ઠપ્પ થઇ ગયો હતો. આ મામલે ત્રણ વખત ઉચ્ચ અધિકારીઓ સાથે અને બે વખત મુખ્યમંત્રી સાથે બિલ્ડર એસોસિએશન દ્વારા બેઠક યોજવામાં આવી હતી.
ક્રેડાઈ તથા સરકારી સૂત્રોએ જણાવ્યા અનુસાર સોમવારથી હવે ઓનલાઈનની સાથે ઓફલાઈન એટલે કે અગાઉ ટી.પી.ઓફિસે જઈને પ્લાન મંજુર કરાવતા હતા તે રીતે બિલ્ડીંગ કે ડેવલપમેન્ટના પ્લાન મંજુર કરાવી શકાશે.ઓફલાઈન બિલ્ડીંગ પ્લાનની આ છૂટ હાલ ત્રણ માસ ચાલુ રાખવા નિર્ણય લેવાયો છે અને તે દરમિયાન આર્કિટેક્ટ એન્જિનિયરો પ્લાન ઓનલાઈન ઈન્વર્ડ કેમ કરાવવા તેની તાલીમ અપાશે. જો કે આ તાલીમ અગાઉ પણ અનેકવાર અપાઈ છે પણ છતાં મોટાભાગના મોટી ઉંમરના ઈજનેરો તાલીમબદ્ધ થયા નથી.
ક્રેડાઈના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું કે ઓનલાઈન ડેવલપમેન્ટ પરમીશનમાં અનેકવિધ મૂશ્કેલીઓ પડતી રહી છે અને બાંધકામ ઉદ્યોગ મોટાભાગે ઠપ્પ થઈ ગયો છે. આગામી દિવાળી તહેવારોમાં ઓનલાઈન સીસ્ટમના કારણે ધંધા રોજગારને માઠી અસર ન પડે તે હેતુથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યના ચીફ ટાઉન પ્લાનર પી.એલ.શર્મા દ્વારા આ વ્યવહારિક નિર્ણય લેવાયો છે કે સમયમાં ક્રેડાઈ પણ ગુજરાત સરકાર સાથે મળીને દરેક શહેરમાં ઓનલાઈન ડેવલપમેન્ટ પરમીશન સીસ્ટમ (ઓ.ડી.પી.એસ.)ના સોફ્ટવેરની ખાસ ટ્રેનીંગનું આયોજન કરશે.
રાજ્ય સરકારે જે તે મ્યુનિ.કોર્પો. કે અર્બન ડેવ.ઓથોરિટીના અલગ જી.ડી.સી.આર.ને બદલે ગત વર્ષથી નવો કોમ્પ્રીહેન્સીવ જી.ડી.સી.આર. રાજ્યભરમાં અમલ કર્યો છે પણ ઓનલાઈન મંજુરી ફરજીયાત બન્યા પછી રાજ્યમાં બિલ્ડીંગ પ્લાન મંજુરીનું પ્રમાણ 70થી 80 ટકા ઘટી ગયું હતું. અંતે રાજ્ય સરકારે આ પારદર્શક વહિવટમાં હાલ પીછે હઠ કરી છે. જો કે સરકારના સૂત્રો અનુસાર આ સાથે ઓનલાઈન પ્લાન મંજુરી તો અમલમાં જ રહેશે. સરકારની આ છૂટથી રાજ્યના મહાનગરોમાં બિલ્ડીંગ પ્લાન મંજુર કરાવવા ધસારો થવાની શક્યતા છે.