ભુજની ગલીઓમાં ચણિયાચોળી ખરીદવા નીકળી સોનાક્ષી સિન્હા

રાજકોટ તા.13
બોલિવુડના અનેક સ્ટાર્સને ગુજરાતની નવરાત્રિનું ઘેલુ લાગેલું હોય છે. તેઓને પણ ગરબાનો ક્રેઝ જોવા મળે છે.
હાલમાં જ લવરાત્રિ ફિલ્મની ચેલેન્જ લઈને અનેક સ્ટાર્સ ગરબે ઝૂમ્યા હતા ત્યારે બોલિવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા નવરાત્રિમાં કચ્છ જોવા મળી હતી. તે ભૂજના ટાઉનહોલ પાસે ચણિયાચોળી ખરીદતી નજરે ચઢી હતી.
બોલિવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા ભૂજની મહેમાન બની હતી. એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લેવા માટે તે ભૂજ આવી હતી. નવરાત્રિના પર્વમાં ગુજરાત આવેલી આ એક્ટ્રેસ ખુદને ગરબાથી દૂર રાખી શકી ન હતી. ભુજની ખાનગી હોટેલમાં રોકાયેલી સોનાક્ષી શુક્રવારે સાંજે ટાઉનહોલ પાસે ફૂટપાથ પર ચણિયાચોળી વેચતાં ફેરિયાઓ પાસે ચણિયાચોળી ખરીદવા પહોંચી ગઈ હતી. આર્મી જવાનોના યુનિફોર્મ જેવા કેમોફ્લેજ ઉપર બ્લેક ટીશર્ટ અને બ્લેક ગોગલ્સ પહેરી સોનાક્ષી ચણિયાચોળી ખરીદતી નજરે ચઢી હતી. રોડ પર સોનાક્ષીને જોઈને લોકોની ભીડ જામી હતી. ચાહકોએ તેની ઝલક મેળવવા ફોટો તથા વીડિયો લેવાનું શરૂ કર્યું હતું.
વીડિયોમાં સોનાક્ષી દાંડિયા વિશે વાત કરતી દેખાય છે. જેમાં તેને પૂછાય છે કે તમે ક્યારેય દાંડિયા રમ્યા છો? ત્યારે તે જવાબ આપે છે કે, બાળપણમાં રમી છું.