પ્રાચીન-અર્વાચીન સહિત 86 ગરબીનું રજિસ્ટ્રેશનOctober 13, 2018

 71 પ્રાચીન ગરબી અને 15 અર્વાચીન ગરબા આયોજકો સ્પર્ધામાં જોડાયા
 શ્રેષ્ઠ આયોજકને રૂા.25, 15, 10 હજારના ઇનામો
રાજકોટ તા.13
સ્માર્ટ સિટી અને સ્વસ્થ ભારત યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલીકા દ્વારા દર વર્ષે સ્વચ્છ ગરબા રાસોત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે પણ રાજકોટની તમામ પ્રાચીન અને અર્વાચીન ગરબીઓ માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી શરૂ થતા ઓલ ઇન્ડીયા લોકલ સેલ્ફ ગવર્મેન્ટના સહકારથી ગરબા રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં આજ સુધીમાં 86 ગરબીનું રજીસ્ટ્રેશન થયાનું પર્યાવરણ વિભાગના ઇજનેર નિલેશ પરમારે જણાવ્યું હતું.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહાનગરપાલીકા દ્વારા અનેકવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે ત્યારે નવરાત્રી દરમ્યાન શહેરમાં અંદાજે 400 થી વધુ પ્રાચીન અને અર્વાચીન ગરબીઓનું આયોજન થાય છે. નવરાત્રીમાં ભાવિકોનો મોટો સમુહ ગરબી સ્થળે ઉમટતો હોય છે. આથી તમામ લોકોને એકસાથે સ્વચ્છતાનો સંદેશો મળે તેવા હેતુથી મનપાએ સ્વચ્છ ગરબા કોમ્પીટીશનનું આયોજન કર્યુ છે. આ સ્પર્ધામાં ગરબા આયોજકોએ સ્વચ્છતાને લગતા સંદેશાના બેનરો લગાવવાના રહેશે તેમજ ડસ્ટબીન અને અન્ય સ્વચ્છતાને લગતી કામગીરી હાથ ધરવાની રહેશે. ઓલ ઇન્ડીયા લોકલ સેલ્ફ ગવર્મેન્ટની ટીમ દ્વારા તમામ ગરબા આયોજકોનું રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે તેમજ દરેક ગરબા સ્થળે સ્વચ્છતાને લગતા બેનરો સહિતની કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે તેની નોંધ કરવામાં આવી રહી છેે. નવરાત્રી પૂર્ણ થયા બાદ પ્રથમ ત્રણ બેસ્ટ સ્વચ્છ ગરબીને ઇનામ આપવામાં આવશે.
પર્યાવરણ વિભાગના ઇજનેર નિલેશ પરમારના જણાવ્યા મુજબ શહેરની તમામ પ્રાચીન અને અર્વાચીન ગરબીના આયોજકોને અનુરોધ કરવામાં આવે છે કે સ્વચ્છતા માટે તેઓ આગળ આવે અને પોતાની ગરબીનું રજીસ્ટ્રેશન કરાવે. આથી ગરબા સ્થળે આવતા લોકોને સ્વચ્છતાનો સંદેશો પ્રાપ્ત થશે અને લોકોમાં જાગૃતી આવશે. આગામી પાંચ દિવસ સુધી રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ રાખવામાં આવશે. ત્યારબાદ ઇન્સ્પેકશન ટીમ દ્વારા નક્કી કરવામાં આવેલ બેસ્ટ સ્વચ્છ ગરબીમાં નામની જાહેરાત કરવામાં આવશે અને તેમને ઇનામથી નવાજવામાં આવશે.