બ્રહ્મોસ્ત્ર-કાંડ: વધુ 10 અફસર ‘શંકાસ્પદ’

નાગપુર તા,13
બ્રહ્મોસ મિસાઇલની માહિતી પાકિસ્તાનને આપવા બદલ ધરપકડ કરાયેલા એન્જિનિયર નિશાંત અગ્રવાલે પૂછપરછમાં દાવો કર્યો હતો કે બ્રહ્મોસ સંદર્ભે જે માહિતી તેના પર્સનલ લેપટોપમાંથી મળી આવી હતી, એવી જ માહિતી બ્રહ્મોસ એરોસ્પ્સેસના 10 જેટલા વરિષ્ઠ અધિકારીઓના વ્યક્તિગત ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં પણ છે.
નિશાંતના લેપટોપમાં અતિસંવેદનશીલ માહિતી મળી આવી હતી. નિશાંતે એટીએસને પૂછપરછમાં જણાવ્યું હતું કે આ પ્રકારની માહિતી બ્રહ્મોસ એરોસ્પેસના અન્ય વરિષ્ઠ અધિકારીના વ્યક્તિગત ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં પણ ઉપલબ્ધ છે. આવા દસ અધિકારીના નામ પણ નિશાંતે એટીએસને જણાવ્યા હોવાનું એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું.
આ દસ અધિકારી હવે રડાર પર હોવાનું કહેવાય છે. દરમિયાન નિશાંતના લેપટોપમાં આ માહિતી ક્યાંથી આવી તેનો ઉત્તર નિશાંત આપી શક્યો નથી. નિશાંત આ અગાઉ હૈદરાબાદમાં કાર્યરત હતો અને એ સમયે ત્યાં વરિષ્ઠ સિસ્ટમ એન્જિનિયર પણ ત્યાં હતો. ત્યાર બાદ સિસ્ટમ એન્જિનિયર કેનેડા ગયો હતો. નિશાંતે ચાર વર્ષ પૂર્વે સિસ્ટમ એન્જિનિયરની પરવાનગી વિના તેની સિસ્ટમમાંથી પણ કેટલીક માહિતી પોતાના પેનડ્રાઇવમાં લીધી હતી, એવું સામે આવ્યું હતું.