PMની હત્યાની ઈ-મેઈલથી ધમકીOctober 13, 2018

નવીદિલ્હી તા,13
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતો એક ઈ-મેલ આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઈ-મેલ દિલ્હી પોલીસ કમિશ્નરને મળ્યો છે. ઈ-મેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ઘટનાના પરીણામે પોલીસ અને સુરક્ષા એજંસીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મેલ ઉત્તર ભારતમાંથી કોઈ જગ્યાએથી કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.
ધમકીભર્યા આ ઈ-મેલમાં 2019નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પીએમ મોદીની હત્યા ક્યા મહિનામાં અને કયા દિવસે કરવામાં આવશે તેની પન સ્પષ્ટ વિગતો જણાવવામાં આવી છે.
પોલીસનું કહેવું છે કે, આ ઈ-મેલ અસમના કોઈ જીલ્લામાંથી મોકલવામાં આવ્યો છે. મેલ મળ્યા બાદ પોલીસે તે દિશામાં સઘન તપાસ હાથ ધરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ મહારાષ્ટ્રના ભીમા-કોરેગાંવ હિંસાની તપાસમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું ષડયંત્ર રચવાનો ખુલાસો થયો હતો. તપાસમાં ડાબેરી જુથોના કેટલાક પત્રો હાથ લાગ્યા હતાં. જેમાં પીએમ મોદીની ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી જેવા હત્યાકાંડને અંજામ આપવાનો ઉલ્લેખ હતો. ત્યાર બાદ કેટલીક નાનચીન હસ્તીઓની ધરપકડ કરવામાં આવી હતી.