કાશ્મીરમાં આતંકવાદી ઠાર

 અન્ય એક કિસ્સામાં આતંકવાદી હુમલામાં પોલીસ કર્મચારી શહીદ
કાશ્મીર તા.13
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાઈ છે. સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. ઠાર થયેલા આતંકવાદીની ઓળખ શબ્બીર અહમદ ડાર તરીકે થઈ છે. સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે સેના, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ અને સીઆરપીએફની સંયુક્ત ટીમે હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી કમાન્ડર
જહૂર ઠોકર અને કેટલાક આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી બાદ ઓપરેશન શરૂ કર્યું હતું.
હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકવાદી 2016માં ટેરિટોરિયલ આર્મીમાંથી ભાગીને આતંકવાદી બન્યો હતો. જહૂર ઠોકર 173મી ટેરિટોરિયલ આર્મી બટાલિયનનો સદસ્ય બન્યો હતો અને 2016માં તે સર્વિસ રાઈફલ સાથે ફરાર થયો હતો. પ્રારંભિક જાણકારી પ્રમાણે અહેવાલો આવ્યા હતા કે સુરક્ષાદળોએ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી કમાન્ડર જહૂર ઠોકરને ઠાર માર્યો છે. પરંતુ જ્યારે આતંકવાદીની લાશ જપ્ત કરાઈ. તો તેની ઓળખ અન્ય આતંકવાદી શબ્બીર અહમદ ડાર તરીકે થઈ હતી. સૂત્રોનું કહેવું છે કે ઠોકર અને બાકીના આતંકવાદીઓ એન્કાઉન્ટર સ્થળેથી ફરાર થવામાં સફળ રહ્યા છે.
પુલવામાના એસએસપી પ્રમાણે અથડામણમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શુક્રવારે મોડી રાત્રે શરૂ થઈ હતી. તો બારામૂલામાં પણ શુક્રવારે રાત્રે સોપોરના બહારના વિસ્તારમાં વારપોરામાં આતંકવાદીઓના હુમલામાં પોલીસકર્મી જાવેદ અહમદ શહીદ થયા હતા. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.