સૂરબહાર વાદક અન્નપૂર્ણા દેવીનું નિધન

  • સૂરબહાર વાદક અન્નપૂર્ણા દેવીનું નિધન

91 વર્ષની વયે મુંબઇમાં નિધન: અન્નપૂર્ણા દેવી સિતારવાદક રવિશંકરના પ્રથમ પત્ની હતા
મુંબઇ તા,13
પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકાર અન્નપૂર્ણા દેવીનું આજે મુંબઈમાં નિધન થઈ ગયું છે. 91 વર્ષની વયે અન્નપૂર્ણા દેવી વૃદ્ધાવસ્થાના કારણે ઘણાં બીમાર રહેતા હતા અને હોસ્પિટલમાં એડ્મિટ હતા.
શનિવારે વહેલી સવારે 3 વાગેને 51 મિનિટે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અન્નપૂર્ણા દેવી દેશ-વિદેશમાં પ્રખ્યાત સિતાર વાદક પંડિત રવિશંકરના પૂર્વ પત્ની હતા. તેમનો જન્મ મધ્ય પ્રદેશના મૈહરમાં 1927માં થયો
હતો. વર્ષ 1977માં તેમને પદ્મભૂષણ પુરસ્કાર મળી ચૂક્યો છે. અન્નપૂર્ણા દેવીનું અસલી નામ રોશનઆરા ખાન છે. તે મૈહર ઘરાનાના ઉસ્તાદ બાબા અલાઉદ્દીન ખાનના ઘેર જનમ્યા હતા.
મૈહરમાં તેમના પિતા અલાઉદ્દીન ખાન મહારાજા બૃજનાશ સિંહના દરબારી સંગીતકાર હતા. તેમણે જ્યારે દરબારમાં દીકરીના જન્મ વિશે વાત કરી ત્યારે મહારાજે નવજાત બાળકીનું નામ અન્નપૂર્ણા રાખી દીધું હતું.
અન્નાપૂર્ણા દેવીને શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ તેમના પિતા બાબા અલાઉદ્દીન ખાન પાસેથી મળ્યું હતું. હરિપ્રસાદ ચોરસિયા અને પંડિત રવિશંકર પણ બાબા અલાઉદ્દીન ખાનના શિષ્ય હતા. પંડિત રવિશંકર સાથે વિવાહ સમયે અન્નપૂર્ણા દેવીએ 1941માં હિન્દુ ધર્મ સ્વીકારી લીધો હતો. 21 વર્ષ પછી બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. પંડિત રવિશંકર સાથે ડિવોર્સ પછી અન્નપૂર્ણા દેવી મુંબઈ જતા રહ્યા હતા. વર્ષ 1982માં તેમણે તેમના શિષ્ય રુશિકુમાર પંડ્યા સાથે લગ્ન કરી લીધા હતા. વર્ષ 2013માં પંડ્યાનું નિધન થઈ ગયું હતું.