મહારાષ્ટ્રના યવતમાલના જંગલમાં ‘અવની’ વાઘણને શાર્પશૂટર દ્વારા મારવાના કોર્ટના નિર્ણયનો જીવદયાપ્રેમીઓનો વિરોધ

રાજકોટ તા,13
મહારાષ્ટ્રનાં યવતમાલનાં જંગલની અવની નામની વાઘણ આજકાલ દેશ અને દુનિયાની ચર્ચાનો વિષય બનેલ છે. આમ પણ યવતમાલના જંગલ વાઘ સહિતના તમામ વન્ય પ્રાણીઓને રહેવા માટેનું સારામાં સારુ આશ્રય સ્થાન છે. વિકાસની હોડમાં આપણે જંટલની નજીક પહોંચતા જઇ રહ્યા છીએ. જેના કારણે સમગ્ર ભારતમાં વાઘ બચ્યા છે કેટલા? તે આપણે સૌ જાણી જ છીએ. વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. ભારત દેશની ભૂમિમાં મનુષ્યોના આશ્રય સ્થાન નિશ્ર્ચિત છે. તેમ છતાં આઝાદીના 70 વર્ષોમાં વિકાસની હોડમાં આપણે નદી, પર્વતો અને જંગલની ભૂમિને પણ છોડી નથી અને હિડન-છુપા એજેન્ડા-ષડયંત્રના ભાગરૂપે ઉદ્યોગપતિઓને જંગલની જમીનો પધરાવી દેવા માટે અવની વાઘણ જેવા નિર્દોષ પ્રાણીઓને સતાધીશો જંગલની અંદર પણ ચેનથી જીવવા દેતા નથી. જેનું જીવતું-જાગતું દ્રષ્ટાંત એટલે તાજેતરમાં આપણી સર્વોચ્ચ અદાલતે મહારાષ્ટ્રના યવતમાલનાં જંગલની અવની વાઘણને આદમખોર જાહેર કરીને શાર્પશૂટર નવાબ સફતઅલીખાન અને 250 સુસજજ માણસોની ટીમ દ્વારા ફૂંકી મારવાનો હુકમ કર્યો છે.
આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ (અવની) છેલ્લા 17 દિવસોથી તેના (2) બચ્ચાઓ વગર પોતાના પ્રાણ બચાવવા એક ટેકરીથી બીજી ટેકરી ભટકી રહ્યું છે. આપણું રાષ્ટ્રીય પ્રાણી જ આપણાં સતાધીશોની કૂટનિતિનાં કારણે સુરક્ષિત નથી ત્યારે અન્ય પ્રાણીઓ પોત-પોતાના આશ્રય-સ્થાનોમાં સુરક્ષિત કઇ રીતે હોઇ શકે? જેનો ગુજરાત, દેશભરનાં અને સમગ્ર વિશ્ર્વના જીવદયા પ્રેમીઓ જુદી જુદી રીતે સખત વિરોધ નોંધાવી રહ્યા છે. જીવદયા પ્રેમીઓની એવી માંગ છે કે અવની વાઘણને મારવાનો હુકમ કરનારાઓએ માણસ તરીકે એટલૂ વિચારવું જોઇએ કે આ વાઘણે ખરેખર માનવ વસ્તીમાં ઘૂસીને કેટલાક માણસોનો ભોગ લીધો છે? તેના કોઇ નક્કર પુરાવા એકત્રિત કર્યા છે ખરા? જંગલમાં રહેતા એક અબોલ પ્રાણી-જીવને ફૂંકી મારવા માટે 250 સુસજજ માણસોની ટીમ સહિત શાર્પ શૂટર નવાબ સફતઅલીખાન અને વિદેશથી સ્પેશ્યલ ડોગ મંગાવવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં પણ જન જાગૃતિનું આ અભિયાન વધુમાં વધુ ફેલાવવામાં આવશે.