મગફળી-કપાસનું 50% ઉત્પાદન ઘટવાનો ખતરો

રાજકોટ, તા.13
સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે વરસાદ ઓછો પડતા પ્રવર્તની દુષ્કાળ જેવી સ્થિતિના કારણે મગફળી અને કપાસના ઉત્પાદનને જબરો ફટકો પડ્યો છે અને મગફળીનું ઉત્પાદન 50 ટકા તથા કપાસનું ઉત્પાદન પણ 40 ટકા સુધી ઘટવાનો અંદાજ છે. કેટલાક વિસ્તારોમાં તો સમુખગો વરસાદ પડ્યો નહીં હોવાથી પશુઓ માટેના ઘાસચારાની પણ તંગી ઉભી થવાનો ખતરો છે. સાથોસાથ આગામી જાન્યુઆરી માસથી જ પીવાના પાણીની પણ ભારે હાડમારી ડોકીયા કરી રહી છે.
સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસ મુખ્ય ચોમાસુ પાક છે પરંતુ આ વર્ષે શરુઆતથી જ વરસાદ અધકચરો પડતા અને અમુક વિસ્તારોમાં તો પૂરો 8 ઇંચ પણ વરસાદ પડ્યો નથી પરિણામે આવા વિસ્તારમાં ખેડૂતોને બિયારણનો ખર્ચ પણ માથે પડ્યો છે જ્યારે ઘણા વિસ્તારોમાં શરૂઆતમાં સારો વરસાદ બાદ વરસાદ ગુમ થઇ જતાં પાકને ફટકો પડ્યો છે.
આવી સ્થિતિમાં સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસના ઉત્પાદનમાં જબરો ઘટાડો જોવા મળી રહ્યો છે ગયા વર્ષે રાજ્યમાં મગફળીનું બમ્પર ઉત્પાદન થયું હતું પરંતુ ખેડતૂોને પૂરતા ભાવ નહીં મળતા સરકારે ટેકાના ભાવે ખરીદી કરવી પડી હતી જ્યારે આ વર્ષે ગતવર્ષની સરખામણીએ લગભગ 50 ટકા એટલે કે, માંડ 15 થી 16 લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ છે.
ગત વર્ષે પૂરા ભાવ નહીં મળતા ખેડૂતો આ વર્ષે ખેડૂતોએ મગફળીનું વાવેતર ઓછુ કર્યુ હતું તેમાંય વરસાદ નહીં પડતા અનેક સ્થળે વાવેતર નિષ્ફળ ગયું છે. અધૂરામાં પૂરુ ‘પીળીયો’ રોગ અને મુંડા ઇયળોના આક્રમણથી મગફળી બચાવવી મુશ્કેલ છે.
આવી જ સ્થિતિ કપાસની પણ છે કપાસ છ મહિના સુધી ખેતરમાં ઉભો રહેતો હોય, આટલો લાંબો સમય સિંચાઇ માટે પાણીની વ્યવસ્થા નથી તેના કારણે કપાસના પાકને પણ આ વર્ષે ફટકો પડ્યો છે.
પાછલા વરસાદ સમુળગા નહીં પડતા હવે કપાસ બચાવવા લગભગ મુશ્કેલ બની ગયા છે. જ્યાં સિંચાઇની પૂરતી સુવિધા છે ત્યાં જ કપાસ બચાવી શકાય તેમ છે.