તાંત્રિકવિધિના નામે ઠગાઈ કરતી બેલડી ઝડપાઈ

 બનાવટી આધારકાર્ડ મારફતે ઓફિસ
ભાડે રાખતા: વધુ ચારની શોધખોળ
રાજકોટ તા.13
રાજકોટ શહેરમાં તાંત્રિક વિધિના બહાને લોકોના દુ:ખ દર્દ દૂર કરી છેતરી લેતી ટોળકી સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે વડોદરાના સંયાજીગંજ વિસ્તારમાંથી યુપીના બે ઠગને ઝડપી લઇ રાજકોટના 5 અને મોરબીનો 1 સહીત 6 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
રાજકોટ શહેરના માલવિયા ચોકમાં પ્રમુખ સ્વામી આર્કેડમાં ઓફિસ ભાડે રાખી તાંત્રિક વિધિના બહાના હેઠળ લોકો સાથે છેતરપિંડી કરવા અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અન્વયે આ ઠગ ટોળકીને પકડવા પોલીસ કમિશ્નરની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે વડોદરાના સંયાજીગંજ વિસ્તારમાંથી મૂળ ઉત્તરપ્રદેશના ગાજિયાબાદ જિલ્લાના સીકરી ગામના આશીફ ઉર્ફે કુબેર ઉર્ફે સોનુ ઉર્ફે પ્રદીપ ઉર્ફે અરમાનજી ઉર્ફે કબીરજી ઉર્ફે ઉબૈદ હબીબભાઇ મલેક અને મેરઠના ઝાકિરઅલી નુરમહંમદ મલિકને ઝડપી લીધા હતા આ અંગે માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં માહિતી આપતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે ઝડપાયેલ બેલડી પાસેથી પીળી ધાતુના 3 બિસ્કિટ, 7 મોબાઈલ, રોકડા 7130 અને નકલી આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઇસન્સ સહીત 28130 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો આ ટોળકી તેના અન્ય ચાર સાગરીતો મારફતે રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત સહિતના પંથકમાં નકલી આધારકાર્ડ મારફતે ઓફિસ ભાડે રાખી ટીવી ચેનલ મારફતે માત્ર 51 રૂપિયામાં તાંત્રિક વિધિ કરવાનું કહી નડતર દૂર કરવા લોભામણી જાહેરાતો આપતા હતા.
(અનુસંધાન પાના નં. 10)
ખાસ કરીને મોડેલિંગમાં અસફળ થતી યુવતીઓ, લગ્નસંસાર, પ્રેમ સંબંધ, ધંધા રોજગાર, વિદેશ પ્રવાસ, છુટ્ટાછેડા, જાદુ ટોના સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે જાહેરાત જોઈને આવતા લોકોને વિધિના બહાને સોનુ મંગાવી કોડિયાં વચ્ચે રાખી લાલ કપડામાં બાંધી વિધિ કરાવી અને બદલાવી લેતા હતા સોનાના દાગીના બાંધેલું કપડું પોતે રાખી લોખંડ ભરેલું કપડું પધરાવી રફુચક્કર થઇ જતા હતા આ ટોળકીએ રાજકોટમાં બે શખ્સો પાસેથી 350 ગ્રામ સોનુ, હંસાબેન નામની મહિલા પાસેથી 60 ગ્રામ સોનુ, મોરબીના પ્રદીપભાઈ પાસેથી 20,000 રોકડા, રાજકોટના શિવાનીબેન પાસેથી 65 ગ્રામ સોનુ, રાજકોટના એક દંપતી પાસેથી 50 ગ્રામ સોનુ અને રાજકોટના શિલ્પાબેન પાસેથી 50 ગ્રામ સોનુ પડાવી લીધું હતું પોલીસે હાલ 6 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં હજુ મેરઠના નદીમ આલમગીર, જીબ્રાન, અશ્વિન કશ્યપ અને મોઈનખાન ઝાહીદની ધરપકડ કરવાની બાકી છે પકડાયેલ બેલડી પૈકી આશીફ અગાઉ ચાર વર્ષ પૂર્વે સુરતમાં તાંત્રિક વિધિના ગુનામાં અને ઝાકીર અલી યુપીમાં મારામારીના ગુનામાં પકડાઈ ચુક્યા છે તેમજ તમામ આરોપીઓ માત્ર ધોરણ 8 પાસ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખત્રી, ડીસીપી રવિમોહન શૈની, મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયાની સૂચનાથી ડીસીબી પીઆઇ એચ એમ ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર સી કાનમિયા, રણજીતસિંહ ઠાકુર, જગમાલભાઇ ખટાણા, મયુરભાઈ પટેલ, સંતોષભાઈ મોરી, જયસુખભાઇ હુંબલ, બિપીનદાન ગઢવી, સંજયભાઈ રૂપાપરા, રવિરાજસિંહ પરમાર અને સ્નેહભાઈ સહિતનાઓ કામગીરીમાં જોડાયા હતા.