ભારતનાં બંદરો-જહાજો પાક. આતંકીના નિશાને

‘જૈશ’ અને ‘તોયબા’ના આતંકીઓને દરિયામાં તાલીમ: ભારત એલર્ટ
નવી દિલ્હી તા.13
પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠનો લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મહંમદ ભારતનાં બંદરગાહ, માલવાહક જહાજો અને તેલની ટેન્કરને નિશાન બનાવવાની તૈયારી કરી રહ્યાં હોવાના અહેવાલો વચ્ચે ભારતના 7,517 કિ.મી.ના દરિયાકાંઠાનું રક્ષણ કરી રહેલા ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડને એલર્ટ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન પર નજર રાખી રહેલાં એકમો અને કાઉન્ટર ટેરરિઝમ અધિકારીઓ માની રહ્યા છે કે પાકિસ્તાન સ્થિત સંગઠનો આ વર્ષે જૂન મહિનાથી દરિયા માર્ગે હુમલા કરવાની ક્ષમતા વિકસાવી રહ્યા છે. આ અધિકારીઓના જણાવ્યા મુજબ જૈશ સંગઠને પોતાના ત્રાસવાદીઓને સમુદ્રમાં તરવાની અને ડૂબકી મારવાની તાલીમ આપવાનું શરૂ કરી દીધું છે. જૈશ સંગઠન દરિયાઈ માર્ગે હુમલા કરવાની ઇચ્છા ધરાવે છે. એનઆઈએ દ્વારા 26/11ના મુંબઈ હુમલાના આરોપી કોલમેન હેડલીની વર્ષ 2010માં થયેલી પૂછપરછ દરમિયાન જ તે હકીકત સામે આવી ગઈ હતી કે મુંબઈ હુમલામાં સામેલ 10 બંધૂકધારીઓને પાકિસ્તાની નૌકાદળની ડાઇવર્સ ટીમ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. હેડલીની પૂછપરછ દરમિયાન તે હકીકત પણ સામે આવી હતી કે જૈશની મરીન પાંખના વડાનું નામ યાકુબ હતું. સમુદ્રમાર્ગે આવેલા ત્રાસવાદીઓ ભારતના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં પ્રવેશ કરીને ત્રાટક્યા હતા. બલૂચિસ્તાન મત્સ્યઉદ્યોગ વિભાગમાં નોંધાયેલી નૌકા અલ હુસૈનીમાં સફર કરીને નીકળ્યા પછી હુમલાખોરોએ ભારતીય નૌકા એમ. વી. કુબેરનો કબજો લઈને મુંબઈ કાંઠે પહોંચ્યા હતા, તે હુમલામાં 164 લોકો માર્યા ગયાં હતાં અને 304ને ઈજા પહોંચી હતી.