માય ગોડ! સૈન્ય જવાન કરોડોની ચોરીમાં ઝડપાયોOctober 13, 2018

 મુંબઇનાં જૈન વેપારીના સોનાના 60 બિસ્કીટ અને 5 લાખ રૂિ5યા રોકડા બઠાવવામાં શામેલ
મુંબઇ તા.13
ઝવેેરીબજારના સોનાના વેપારીની 1.90 કરોડની રોકડ એક્સપ્રેસ ટ્રેનમાંથી ચોરવાનો કેસ 10 દિવસમાં ઉકેલી અલીબાગ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. વેપારીના કામકાજથી સારી પેઠે જાણકાર ભૂતપૂર્વ નોકરે ચોરીની યોજના બનાવી અને તેના ભાઈએ લશ્કરના જવાન સાથે મળી યોજનાને અંજામ આપ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ લશ્કરના જવાન પ્રમોદ પ્રકાશ પાટીલ (28), અજય સંજય પવાર (24) અને અમિત સંજય પવાર (26) તરીકે થઈ હતી. આરોપીઓ પાસેથી ચોરીની રકમમાંથી 1.78 કરોડ રૂપિયા હસ્તગત કરવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે.
ઝવેરીબજારના જૈન વેપારીનો કર્મચારી સૌરભ જૈન ખરીદેલા સોનાની રકમ વેપારીઓ સુધી પહોંચાડવા માટે 26 સપ્ટેમ્બરે મુંબઈ-મેંગલોર એક્સપ્રેસથી પ્રવાસ કરી રહ્યો હતો. જોકે ટ્રેનમાં જ તેની પાસેની રોકડ ભરેલી બેગ ચોરી અજાણ્યા શખસો ફરાર થઈ ગયા હતા. આ પ્રકરણે સૌરભ જૈને મહાડ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેણે બેગમાં 1.83 કરોડ રૂપિયાની કિંમતની સોનાની 60 બિસ્કિટ અને પાંચ લાખની રોકડ હોવાનું જણાવ્યું હતું. કુલ 1.88 કરોડની મતાની ચોરીની ફરિયાદ નોંધાતાં તેની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી.
ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર જમીલ શેખે જણાવ્યું હતું કે આરોપીઓની માહિતી મેળવવાને ઇરાદે ફરિયાદી સૌરભ જૈનના માલિક એવા વેપારી પાસેથી કેટલીક વિગતો મેળવવામાં આવી હતી. વેપારીએ જણાવ્યું હતું કે કર્મચારીઓને સીલ કરેલું પાર્સલ આપવામાં આવે અને જે વેપારીને આપવાનું હોય તેની જ માહિતી આપવામાં આવે. પાર્સલમાં ખરેખર શું અને કેટલું છે તે માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. પરિણામે ઘટનાને દિવસે સૌરભની બેગમાં સોનું નહોતું, માત્ર 1.90
કરોડની રોકડ હતી, એવું વેપારીએ જણાવ્યું હતું.
ટ્રેનમાં સીસીટીવી કેમેરા ન હોવાથી આરોપીની ઓળખ મેળવવી પોલીસ માટે મુશ્કેલ બન્યું હતું. પરિણામે કેટલાંક રેલવે સ્ટેશન અને ઝવેરીબજારના કેટલાક સીસીટીવી કેમેરાનાં ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. ફૂટેજમાં બે શંકાસ્પદ ઝવેરીબજારથી જ ફરિયાદીનો પીછો કરતા નજરે પડ્યા હતા. એ સિવાય એ બન્ને શંકાસ્પદ સીએસએમટી સ્ટેશને પણ ફરિયાદીની પાછળ પાછળ જતા દેખાયા હતા. બેમાંથી એક શંકાસ્પદને અમિત પવાર તરીકે ઓળખી કાઢવામાં આવ્યો હતો, એવું શેખે જણાવ્યું હતું.