મધ્ય પ્રદેશમાં અધર્મી સરકાર: કોમ્પ્યૂટર બાબા

ભોપાલ તા.13
કોમ્પ્યુટર બાબાએ શિવરાજ સરકારે આપેલા પદ પરથી રાજીનામા બાદ એકવાર ફરીથી સરકાર પર પ્રહાર કર્યા છે. કોમ્પ્યુટર બાબાએ એક ચેનલને ઈન્ટરવ્યુ આપતા કહ્યું કે, સરકારમાં સામેલ થવાથી પહેલા તેમને નર્મદાને સ્વચ્છ કરવા, મઠ-મંદિરોને સુરક્ષિત કરવા, વૃક્ષોનો વાવીને તેનો ઉછેર કરવા અને નર્મદાના ગેરકાયદેસર ખનનને રોકવા જેવી શરતો રાખી પરંતુ 6 મહિનાના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ આ વાયદાઓ પર ધ્યાન આપી શક્યા નહી. મુખ્યમંત્રી સાથે આ શરતો પર વાત કરવા પર તેમની દલીલ હતી કે, હવે રાજ્યમાં ચૂંટણીઓ નજીક છે તેથી આવા મુદ્દાઓ પર નિર્ણય લેવો મુશ્કેલ છે. તેથી કોમ્પ્યુટર બાબાએ દાવો કર્યો છે કે, તેમને રાજીનામુ આપી દેવાનો નિર્ણય કર્યો છે.
કોમ્પ્યુટર બાબાએ કહ્યું, શિવરાજ સરકારને મધ્ય પ્રદેશમાં રાજ કરતા-કરતા 15 વર્ષ થઈ ગયા. તેમણે સંતોને એવી રીતે મઢી દીધા છે કે, સંતો વિશે કહેવામા આવે છે કે, તેઓ બીજેપી અને આરએસએસના છે. ચિત્રકૂટમાં સંતોની 100 ઝોપડીઓ તોડી નાંખી. સંત સમાજ આ સરકારથી ખુબ જ દુ:ખી છે. અમે લોકોએ જોયું કે, આ અધર્મની સરકાર છે. આ સરકારમાં ધર્મ નામની કોઈ ચીજ જ નથી.
કોમ્પ્યુટર બાબાએ કહ્યું, હવે ચૂંટણી આવી ગઈ છે તો પછી મંદિર બનાવશે. અમારા જેવા બાબાઓને ભેગા કરશે પરંતુ હવે બાબાઓ સમજી ગયા છે.
સાધુ સનાતન સમજી ગયા છે કે, આ અમને મૂર્ખ બનાવે છે. આ સરકાર મંદિર બનાવવાની નથી. નર્મદાના નામથી, અયોધ્યાના નામથી રોટી શેકશે અને જીતી જશે તો પછી સંતો સામે જોશે પણ નહી.