દ્વારકાના ખેડૂૂતોનું ‘દંડવત’ આવેદન, 10 દિવસનું આખરીનામુંOctober 13, 2018

સરકારે અછતગ્રસ્ત વિસ્તાર
જાહેર કરવામાં અન્યાય કર્યાની તાર્કિક દલીલ; ઢોરઢાખર કચેરીએ મૂકી જવાની ચીમકી
ખંભાળિયા, તા. 13
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવણીના વરસાદ પછી કુદરત નારાજ હોય એમ એકપણ સારો વરસાદ થયો નથી. જિલ્લામાં કોઈ મોટા ડેમ છે નહી કે જેમાંથી સિંચાઈ થઈ શકે. તેની સામે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્ય પાક મગફળી અને કપાસ છે અને બન્ને પાકો પાણી પર જ આધારિત છે. એમના નિશ્ચિત સમયે એમને પાણી મળવું જરૂરી છે. પરંતુ જિલ્લામાં પડેલા વાવણીના એક વરસાદ બાદ એકપણ સાર્વત્રિક વરસાદ ન પડતા ખેડૂતોને પડ્યા પર પાટુ સમાન સ્થિતિ ઉભી થઇ છે એકબાજુ મોંઘા બિયારણ, ખાતર, રાસાયણિક દવાના ખર્ચ કર્યા ને વરસાદ તો થયો નહિ ને ઉપરથી સરકારે પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા નહિ એટલે ખેડૂતોને તો ડબલ માર પડ્યો છે.
જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા માં 19/07/2018 રોજ નોંધાયેલા એકજ દિવસમાં 470 મિલિમિટર વરસાદને બાદ કરી દઈએ તો ખાસ વરસાદ છે જ નહીં, એવું પણ કહી શકાય આ ઉપરાંત 16/09/2018 ના રોજ 41 મિલિમિટર પણ ખંભાળિયામાં વરસાદ નોંધાયો છે.
અછતગ્રસ્તના રાજ્ય સરકારના વખતો વખતના પરિપત્રો, ઠરાવો અને મેન્યુઅલને સાચી દાનતથી સમજવામાં આવે અને એનો અમલ કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરેક ગામને અછતગ્રસ્ત જાહેર કરવા જ પડે કેમકે જેમાં વરસાદના વિસ્તરણને પણ ધ્યાનમાં લેવાનું હોય, વરસાદના ગાળાને પણ ધ્યાનમાં લેવાનો હોય, છેલ્લા ત્રીસ વર્ષના વરસાદનું સરેરાશ પણ ધ્યાનમાં લેવાનું હોય, જે મુજબ દ્વારકા જિલ્લાનું એક એક ગામ અછતગ્રસ્ત જાહેર થવા પાત્ર છે.
રાજ્ય સરકારે 264, 231 મિલિમિટર વરસાદ નોંધાયો હોય એવા તાલુકાના ગામો અછતગ્રસ્ત જાહેર કર્યા છે. ત્યારે જિલ્લામાં જે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વરસાદ માપવાના સાધનો છે અને ત્યાં જે વરસાદ નોંધાયો છે એ મુજબ જોઈએ તો જિલ્લાના કેટલાક પીએચસી સેન્ટર જેમ કે સુરજકરાડીમાં 50 મિલિમિટર, વરવાળામાં 62 મિલિમિટર, ટુપણીમાં 57 મિલિમિટર, દેવરિયામાં 121મિલિમિટર, રાજપરામાં 76 મિલિમિટર, ભાડથરમાં 120 મિલિમિટર, ભીંડામાં 106 મિલિમિટર વરસાદ નોંધાયો છે. આ પી.એચ.સી. સેન્ટર અને તેના કમાન્ડ વિસ્તારમાં આવતા ગામોને તો તાત્કાલીક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જોઈએ કેમકે અહીં તો 125 મિલિમિટર કરતા પણ ઓછો વરસાદ છે અને દુષ્કાળગ્રસ્ત ના મેન્યુઅલ મુજબ 125 મિલિમિટર કરતા ઓછો વરસાદ જયાં નોંધાયો હોય એવા વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જોઈએ. સરકાર પાસે આખા ગુજરાતના આંકડા છે તેમ છતાં વ્હાલા દવલાની નીતિ શા માટે ? તેવો સવાલ ખેડૂતોમાં ઉઠવા પામ્યો છે.
અછતગ્રસ્ત જાહેર કરવામાં અને 100% પાકવિમો જાહેર કરવામાં તો કાયદેસર દેવભૂમિ દ્વારકા જિલ્લો હકદાર છે, તેમ છતાં અછતગ્રસ્ત અને પાકવિમો જાહેર ન કરતા આજે ખંભાળિયાના ખેડૂતો સરકાર સમક્ષ (જિલ્લા કલેકટર કચેરીએ) દંડવત કરતા કરતા આવ્યા હતા. જો આ દંડવત કરવાથી આપનામાં રહેલી માનવતા જાગે અને અમને ખેડૂતોને વર્ષ કાઢવામાં આપ મહેરબાન થાઓ, અમારા વ્હાલસોયા પશુધનને ઘાસચારો પૂરો પાડો માટે આપ સમક્ષ અમો દંડવત કરતા આવ્યા છીએ તેવી યાચના કરતા હોય તેવું ચિત્ર ઊભું થયું હતું.... અમો ભોળા ખેડૂતો જેની માનતા રાખીએ એ માનતા ફળે પછી માનતા ઉતારવા જઈએ છીએ પણ આપ મહેરબાન સમક્ષ અમે માનતા રાખતાની સાથે જ ઉતારવા પણ દંડવત કરતા કરતા આવ્યા છીએ ત્યારે નમ્ર અરજ છે કે દિવસ 10 માં જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી યાચના ભરી રજુઆત કરી હતી.
જો આ મુદ્દે તાકીદે યોગ્ય કરવામાં નહીં આવે તો અમારે ના છૂટકે પહેલા તબકામાં અમારા ઢોર ઢાખરને આપને હવાલે કરવાની ફરજ પડશે એમ ખેડુત હીત રક્ષક સમિતિએ આવેદનમાં ચીમકી ઉચ્ચારી હતી...