‘સરકાર ખેડૂતોની મદદ નથી કરતી’ કુતિયાણામાં દેવાદાર ખેડૂતનો આપઘાત

 સ્યુસાઈડ નોટમાં લખ્યું, મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવજો અને ખેતીવાડી અધિકારીને જાણ કરજો...
પોરબંદર : કુતિયાણાના સાંઢીયાશેરી વિસ્તારમાં રહેતા અને મોબાઇલ ટાવરમાં ચોકીદાર તરીકેની નોકરી કરતા તેમજ મહીરા ગામે ખેતીની જમીન ધરાવતા વિરમભાઇ મસરીભાઇ ઓડેદરા નામના આધેડ ખેડૂતે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. પોરબંદર જીલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન સમયસર અને પુરતા પ્રમાણમાં વરસાદ ન પડતા દુષ્કાળની સ્થિતિનું નિર્માણ થયું છે અને ખેડૂતોએ વાવેતર કરેલ ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિને કારણે તેમજ દેવાના બોજને કારણે ખેડૂતોએ આત્મહત્યાના દુ:ખદ પગલાઓ ભરવાનું શરૂ કર્યુ છે ત્યારે આવો જ બનાવ પોરબંદર જીલ્લામાં પણ બનવા પામ્યોછે. પોરબંદર જીલ્લામાં રાણાવાવ તાલુકાના મહીરા ગામના ખેડૂતે પાક નિષ્ફળ જવાને કારણે તેમજ ખેતીની જમીન પર લીધેલું રૂા. 1 લાખનું પાકધિરાણ તથા ખાનગી રૂા. 3 લાખનું દેવું સમયસર ન ભરી શકવાને કારણે આર્થિક બોજા દબાણ હેઠળ આવી જઇને વિરમભાઇ મસરીભાઇ ઓડેદરા નામના ખેડૂતે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.