19 મેએ જેઈઈ એડવાન્સ પરીક્ષા લેવા જાહેરનામું પ્રસિધ્ધ

 જાન્યુઆરીમાં શરૂ થશે રજિસ્ટ્રેશન
રાજકોટ તા.13
દેશની વિવિધ આઈઆઈટીમાં પ્રવેશ માટેની જેઈઈ એડવાન્સનું નોટિફિકેશન આજે જાહેર કરી દેવાયુ છે. જે મુજબ 19મી મેના રોજ આઈઆઈટી રુરકી દ્વારા દેશભરમાં પરીક્ષા લેવાશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન જેઈઈ મેઈન પરીક્ષાના રેન્ક જાહેર થયા બાદ શરૃ થશે.ગત વર્ષે 2.20 લાખથી વધુ વિદ્યાર્થીઓ લાયક ઠર્યા હતા પરંતુ તેમાંથી 65 હજારે પરીક્ષા આપી ન હતી.
દેશભરની 21 જેટલી આઈઆઈટીમાં પ્રવેશ માટે દર વર્ષે મે મહિનામાં જેઈઈ (જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ)ની એડવાન્સ પરીક્ષા લેવાય છે. દર વર્ષે જુદી જુદી આઈઆઈટી દ્વારા પરીક્ષાનું આયોજન થાય છે. જેમાં આગામી વર્ષે મે માં આઈઆઈટી રુરકી દ્વારા પરીક્ષા લેવાનાર છે. જેના દ્વારા આજે જેઈઈ એડવાન્સ 2019 માટેનું વિવિવત નોટિફિકેશન જાહેર કરી દેવાયુ છે.
જેઈઈ મેઈન પરીક્ષામાંથી દર વર્ષે 2 થી 2.20 લાખ જેટલા વિદ્યાર્થીઓને જેઈઈ એડવાન્સ માટે લાયક કરાય છે.
ગત વર્ષે 2.20 લાખથી વધુ વિદ્યાર્થીને ક્વોલિફાઈ કરાયા હતા.પરંતુ 65 હજારથી વધુ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન જ કરાવ્યુ ન હતું. આ વર્ષે જેઈઈ મેઈન પરીક્ષા બે વાર લેવાનાર છે અને જેમાં જાન્યુઆરીમાં પ્રથમવારની પરીક્ષા છે ત્યારબાદ જેઈઈ-2(બીજી વારની) એપ્રિલમાં લેવાશે. જેઈઈ મેઈનના રેન્ક આવ્યા બાદ રજિસ્ટ્રેશન થશે.આ વર્ષે સંપૂર્ણપણે કોમ્પ્યુટર આધારીત પરીક્ષા લેવાશે.