વીર વીરાની ભક્તિ

રાજગઢ ગામમાં આસો મહિનાની સાંજ થોડીક ઠંડી અને ચેતનવંતી લાગતી હતી કારણ કે આસો મહિનાની નવરાત્રીના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. ઉત્સવના દિવસો ઉર્જાથી સભર હોય છે તેથી ચૈતન્યપૂર્ણ લાગે છે.
આવા નવરાત્રીના દિવસોમાં શાળાઓમાં પણ કયાંક રજા અને કયાંક એકસ્ટ્રા કલાસીસ ચાલી રહ્યા છે. સાંજનો સમય છે. ચોકે ચોકે મંડપ બાંધેલા છે. દીવડા અને રોશનીથી ઝગમગાટ ફેલાયેલો છે. માઇકમાંથી ર્માંના ગરબાના સુરો રેલાય છે અને વાતાવરણ પવિત્ર લાગી રહ્યું છે.
વીરવીરા પોતાના દોસ્તો સાથે ગરબા અને ઘોઘા લઈને ઘેર ઘેર ગરબા ગાવા જાય છે. પરંપરા પ્રમાણે ગરબામાં દીવો કરી ધુપ, દીપ લઇ અને માતાજીના ગરબા ગાતા હતા ત્યાં રાજવીર તેના કેટલાક મિત્રો સાથે રમવા બોલાવવા આવ્યો વીર વીરાએ ના પાડી કે અત્યારે માતાજીના ગરબા લઈને જઈએ છીએ તો મિત્રો તેને ચીડવવા લાગ્યા અને મજાક કરવા લાગ્યા. વીર વીરાએ તેના પર ધ્યાન ન આપ્યું.
બીજા દિવસે જોયું તો રાજવીર દેખાતો નહોતો મિત્રોને પૂછ્યું તો ખબર પડી કે એ બીમાર છે તો વીર વીરા તેના ઘરે ગયા અને પ્રસાદ આપ્યો અને માઁનો આ પ્રસાદ ઉર્જા અને સારા વાઈબ્રેશનવાળો હોય છે તો તરત તું સાજો થઈ જઈશ, એમ પ્રસાદનું મહત્વ પણ સમજાવ્યું. રાજવીરે ક-મને પ્રસાદ લીધો પણ કાઈ બોલ્યો નહીં.
સવારે સ્કૂલે ગયા તો ત્યાં પણ વીર વીરા અને મિત્રો માતાજીનો શણગાર કરતા હતા.
ફરી એ લોકો ચીડવવા લાગ્યા. એક ટીચર ત્યાંથી પસાર થયા તેમણે આ જોયું કે મજાક કરવા છતા વીર વીરા કાંઇ બોલ્યા નહીં. તેમણે વીર વીરાને ઇશારો કર્યો અને ચાલવા લાગ્યા. પ્રેયરની બધી તૈયારી થઇ ગઇ પ્રેયર બોલાઇ ગઇ પછી ટીચરે કહ્યું કે, અત્યારે નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે. તમને ખબર છે આ દિવસોનું મહત્વ શું છે ? કોઇ કાંઇ બોલ્યું નહીં. ફરી ટીચરે કહ્યું કે કોઇને માતાજીનો ગરબો ગાતા આવડે છે ? તો અહીં આવીને સંભળાવે ફરી ચુપકીદી છવાઇ ગઇ. ટીચરે વીરવીરાને ઇશારો કર્યો બંને સ્ટેજ પર આવ્યા અને ગરબો ગાતા પહેલા નવરાત્રીનું મહત્વ સમજાવતા વીરે કહ્યું કે, "આપણા દેશમાં જેટલા વ્રત ઉત્સવો અને તહેવારો આવે છે તે દરેક પાછળ વૈજ્ઞાનિક તેમજ ધાર્મિક, આધ્યાત્મિક રહસ્ય રહેલું હોય છે. આપણા ઋષિમુનીઓ બહુ જ દુરંદેશી તેમજ બધી જ બાબતનું જ્ઞાન ધરાવતા હતા તેથી સમજી વિચારીને જ બધા વ્રત, ઉત્સવોની રચના કરી છે. નવરાત્રીમાં પણ ભાદરવો આસો મહિનાની મિશ્ર ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ, બિમારી તેમજ પાચન સંબંધી રોગોની શકયતા છે એટલે ગરબા લેવાથી શારીરિક શ્રમ તેમજ ઉપવાસ કરવાથી પાચનતંત્ર સક્રિય રહે છે. ધુપ દીપ કરવાથી મચ્છરો દુર થાય છે અને આ પણ ફિલ્મી ગીતો કરતા આ ગરબામાં એક પ્રકારની ઉર્જા રહેલી હોય છે જે ગાવાથી આધ્યાત્મિક વિકાસ થાય છે. મન શાંત બને છે વીર તો ઘણુ બધુ એક સાથે બોલી ગયો બધા જ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ તાળીના ગડગડાટથી તેની વાતને વધાવી લીધી. ત્યારબાદ વીરાએ એક સુંદર ગરબો ગાવાનું શરૂ કર્યુ.
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો
શ્રીફળની જોડ લઇને રે,
હાલો હાલો ગબ્બર
ગોખ જઇએ રે...
બધાને તો ખુબ મજા પડી બધા જ તેની સાથે સાથે તાલીનો તાલ આપી ગાવા લાગ્યા અને કેટલાક તો ગરબા પણ લેવા લાગ્યા આમ બધાને ખુબ જ મોજ પડી ગઇ એટલામાં રાજવીર આવ્યો તે સાજો થઈ ગયો હતો તેણે વીર વીરાની માફી માંગી બીજા મિત્રો પણ તેને અનુસર્યા.વીર વીરાએ બધું ભૂલી ગરબાની મજા લેવા કહ્યું.
બોધ: આપણા વ્રત, તહેવાર, ઉત્સવો આપણી પરંપરા છે. તેની મજાક ઉડાવવી જોઇએ નહીં. દરેક ઉત્સવ પાછળ કંઇને કંઇ હાર્દ રહેલું હોય છે તે સમજીને તેનું અનુકરણ કરવું જોઇએ.