સફાઇ કર્મચારી મિ.રોબોટ

કેરલ તા.13
કેરળ સ્થિત જેન્રોબોટિક્સે એક ભૌતિક રોબોટ બનાવ્યો છે. તેનું નામ બેન્ડિકૂટ છે. તે આ કામ કરવા માટે સજ્જ છે. એટલું જ નહીં, તેને કામે લગાવી પણ દેવાયો છે. જેન્રોબોટિક્સના સ્થાપક અને સીઇઓ વિમલ ગોવિંદે કહે છે, બેન્ડિકૂટનું પહેલું વર્ઝન સંપૂર્ણ રીતે તૈયાર છે અને તેને કેરળના ત્રિવેન્દ્રમ વિસ્તારમાં કામ પર મૂકાયો છે. તે પછી તમિલનાડુના કુંબકોનમમાં બેન્ડિકૂટને મૂકવાની યોજના છે.
ગોવિંદ આગળ કહે છે, અમે જ્યારે લોકોને ગટરના ઢાંકણામાં જતા જોયા ત્યારે અમે વ્યથિત થઈ ગયા. આ કામ ગેરકાયદે છે. અમે એ પણ જોયું કે આ પ્રશ્ન જાતિ પ્રથા સાથે સંકળાયેલો છે. આ સમય દરમિયાન અમને એ પણ જાણવા મળ્યું કે ગટર સાફ કરતી વખતે અનેક લોકો મૃત્યુ પામે છે. બેન્ડિકૂટ પાછળની સાચી પ્રેરણા આ છે. બેન્ડિકૂટ નગરપાલિકાઓ માટે બનાવ્યો છે. ચોમાસું શરૂ થશે ત્યારે તે ભૂગર્ભમાં ગટર સાફ કરવાનું કામ કરશે. રોબોટ ભૂગર્ભમાં ગટરમાં રહેલા કચરાને સાફ કરવા કોઈ પણ આત્યંતિક સ્થિતિ હેઠળ કામ કરી શકે છે. તે શુદ્ધ ઇલેક્ટ્રો મિકેનિકલ જોડાણ છે જે વોટર પ્રૂફ છે.