શાર્દૂલની ટેસ્ટ કેરિયર 10 દડામાં જ ‘બ્રેક’ થઇ

હૈદરાબાદ તા.13
પાલઘરમાં રહેતા અને રણજી ટ્રોફીમાં મુંબઈ વતી રમતા 26 વર્ષીય પેસ બોલર શાર્દુલ ઠાકુરને અહીં પહેલી જ વખત ટેસ્ટ-મેચ રમવાનો મોકો મળ્યો હતો, પરંતુ તેણે માંડ 10 બોલ (1.4 ઓવર) ફેંક્યા હશે ત્યાં તેને જમણા ભાગમાં પેડું અને સાથળ વચ્ચેના ભાગમાં ઘણા સમયથી સતાવતો દુખાવો ફરી શરૂ થયો હતો અને તે રમવાનું અટકાવી કેપ્ટન વિરાટ કોહલી સાથે થોડી વાતચીત કર્યા પછી ફિઝિયોથેરપિસ્ટ પેટ્રિક ફરહાતની મદદથી ડ્રેસિંગ-રૂમમાં જતો રહ્યો હતો. શાર્દુલને આગલી મેચ (18 સપ્ટેમ્બરે હોન્ગકોન્ગ સામે એશિયા કપની મેચ)માં પણ આ ઈજા નડી હતી. દરમિયાન, ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ પ્લેયરોની ઈજા બાબતમાં નેશનલ ક્રિકેટ ઍકેડેમીના સિનિયર સ્ટાફની જે ભૂમિકા રહી છે એ સંદર્ભમાં સવાલો ઉઠાવ્યા હતા.