વિંછીયાના આંકડિયા ડેમમાં પાણી બંધ થતા 200 ખેડૂતોના ધરણાં


ડેમમાં પાણી ઠલવાતા 50 ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળતો : સરકારે અચાનક પાણી બંધ કરતા ખેડૂતોમાં રોષ
આટકોટ તા,12
વિંછીયા તાલુકાના આંકડીયા ગામે સૌની યોજના અંતર્ગત થોડા દિવસ પહેલા આંકડીયા ડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ આખો ડેમ પાણીથી ભરવાના બદલે માત્ર 30 ટકા જ પાણી છોડવામાં આવ્યું હોવાથી ગ્રામજનોમાં ભારે નારાજગી ઉઠવા પામી હતી. કારણ કે આંકડીયા ડેમમાં ગામના સરપંચ દ્વારા પાણી બંધ કરવા માટે લેખિતમાં જાણ કરવામાં આવતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને આંકડીયા ડેમમાં ગ્રામજનો અને ખેડૂતોએ બેસી ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો. જો સૌની યોજનાનું પાણી આંકડીયા ડેમમાં ફરી છોડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામજનો દ્વારા મતદાન બહિષ્કાર સાથે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ખેડૂતોએ અને ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી હતી.
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે ગત વર્ષે વિંછીયાના આકડીયા ગામે સૌની યોજના અંતર્ગત આંકડીયા ડેમ ભરવામાં આવ્યો હતો. આ ડેમ ભરવાથી આસપાસના 50 જેટલા ગામોને સિંચાઈના પાણીનો ખુબજ ફાયદો મળ્યો હતો. ત્યારે હાલ ચોમાસાની સીઝન સાથે ખેડૂતોને આશા હતી કે આ વર્ષ ખુબ જ સારું જશે પણ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ઓછો વરસાદ પડતા ખેડૂતો ખુબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે.
ખેડૂતો દ્વારા બે-બે વખત વાવણી કરી પરંતુ વરસાદ ખેંચાતા વાવણી નિષ્ફળ ગઈ હતી. હાલ ત્રીજી વખત ઓછા વરસાદના કારણે પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ જોવા મળતી હોવાથી રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત ડેમ તેમજ તળાવ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેને લઈ વિંછીયાના આંકડીયા ડેમમાં તાજેતરમાં કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાનાં હસ્તે ફરી નર્મદાના નીર છોડવામાં આવેલ. પરંતુ પણ માત્ર એક દિવસ પાણી આપી બંધ કરી દેવાતા ગામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને આંકડીયા ડેમમાં બેસી ધરણા કરવામાં આવ્યા હતા.
પાણી બંધ કરવા પાછળ સરપંચ દ્વારા લેખિત માં પાણી ની જરૂરિયાત ન હોય બંધ કરી દેવું તેવું આપતા પાણી બંધ કરવામાં આવેલ જે વાત ની ગ્રામજનો ને જાણ થતાં આજે 200 જેટલા ખેડૂતો દ્વારા પાણી આપવામાં ન આવે ત્યાં સુધી તળાવ પર ધરણા પર બેસી ગયા હતા. તેમજ તેમ છતાં જો સૌની યોજના અંરગત પાણી આપવામાં નહીં આવેતો આગામી દિવસો માં આવનાર ચૂંટણી માં મતદાન નો બહિષ્કાર કરવાની ચીમકી ખેડૂતો દ્વારા આપવામાં આવેલ ત્યારે ખેડૂતો દ્વારા જો આ તળાવ ભરવામાં આવે તો 50 જેટલા ગામો ને સિંચાઈ નો ફાયદો મળશે ત્યારે ખેડૂતો દ્વારા પોતાના બળી જતા પાક ને બચાવવા આત્મવિલોપન સુધી ની જરૂર પડશે તો તેપણ કરવાની આપી ચીમકી.