સ્લમનાં ગરીબ બાળકો માટે કલેકટર બનશે ‘વાલી’October 12, 2018

ગર્લ્સ ચાઇલ્ડ-ડે નિમિત્તે રાજકોટનાં પછાત વિસ્તારમાં રહેતી બાળાઓને શિક્ષિત કરવા કવાયત

લક્ષ્મીનગર, કુબલિયાપરામાં સૌપ્રથમ પ્રોજેકટ શરૂ કરાશે : એક વર્ષમાં ત્રણ મહત્ત્વના પ્રોજેકટ કરવા કલેકટરનો સંકલ્પ : તબક્કાવાર અન્ય વિસ્તારમાં પણ લાગુ કરાશે : સમાજ કલ્યાણ કચેરી દ્વારા સર્વે શરૂ કરાયો
રાજકોટ તા.12
ગર્લ્સ ચાઇલ્ડ-ડે નિમિતે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાએ અનોખો સંકલ્પ કર્યો છે રાજકોટ શહેરના અતિ પછાત વિસ્તારોમાં રહેતાં ગરીબ બાળકોને શિક્ષણ પુરુ પાડી પગભર કરવા કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા ‘વાલી’ની ભૂમિકા ભજવવાનો નિર્ણય કર્યો છે.
જિલ્લા કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે ગર્લ્સ ચાઇલ્ડ-ડે નિમિતે ગઇકાલે ગુજરાતના બાળ અધિકાર સંરક્ષણ આયોગ, યુનિસેફ અને ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે કલેક્ટર કચેરી ખાતે એક દિવસીય વર્ગશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં જિલ્લા સમાજ સુરક્ષા, બાળ આયોગ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને વર્કશોપ દરમિયાન ત્રણ મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતાં.
વર્કશોપ દરમ્યાન જીલ્લા કલેકટરે સંબંધિત અધિકારીઓને શહેરના અતિ પછાત વિસ્તારમાં રહેતા બાળકોને શિક્ષણ પુરુ પાડવા માટેનો પ્રોજેકટ હાથ ધરવા સુચન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન પ્રથમ તબક્કામાં લક્ષ્મીનગર અને કુબલીયાપરામાં રહેતા બાળકોને શિક્ષણ આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
રાજકોટ જીલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા કલેકટરના પ્રોજેકટના આધારે આજથી જ આ વિસ્તારમાં કેટલા બાળકો છે તેનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. અતિ પછાત વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ અત્યંત ઓછું છે. તેથી બાળકોને કલેકટર તંત્ર દ્વારા જ શિક્ષણ પુરુ પાડવામાં આવશે અને ભવિષ્યમાં આ બાળકો શિક્ષણના આધારે પગભર થઇ શકે તેવી દુરોગામી વિચારધારા અમલી બનાવવા કવાયત હાથ ધરવામાં આવી છે.
પ્રથમ તબક્કામાં લક્ષ્મીનગર અને કુબલીયાપરાના તમામ બાળકોને શિક્ષણ માટે કોઇપણ શાળામાં પ્રવેશ કરાવી દેવામાં આવશે ત્યારબાદ જંગલેશ્ર્વર અને કોઠારીયા કોલોની વિસ્તારના બાળકોને પણ શિક્ષણ આપવામાં આવશે. જીલ્લા કલેકટરે જણાવ્યું હતું કે એક વર્ષની અંદર આ પ્રોજેકટ શરૂ કરી દેવામાં આવશે.
સેમીનાર દરમ્યાન જીલ્લામાં વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર ખખ્ખર જાનવી પિયુષભાઇ, ડાભી દક્ષા નાગરભાઇ, ચૌહાણ અર્ચિતા ભૂપતભાઇ અને પરમાર પુરી રામજીભાઇનું પારીષોતીક સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
ગઇકાલે કલેકટર કચેરીમાં યોજાયેલ એક દિવસીય વર્કશોપમાં જીલ્લા કલેકટર રાહુલ ગુપ્તા, પોલીસ અધિક્ષક બલરામ મીણા, જીલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન ખાટરીયા, અધિક નિવાસી કલેકટર પરીમલ પંડયા, ગુજરાત બાળઆયોગના સભ્ય મેહુલ શાહ, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી, બાળઆયોગ દ્વારા નિયુકત થયેલ રીસોર્સ પર્સન ડો.હાથી, આરોગ્ય અધિકારી, શિક્ષણાધિકારી, શ્રમ અધિકારી, તાલીમ અને રોજગાર અધિકારી, એસ.જે.પી.યુ.ના નોડલ ઓફીસર, આઇસીબીએસના પ્રોગ્રામ ઓફીસર, દહેજ પ્રતિબંધક અધિકારી, સીડબલ્યુસી અને જેજેબીના અધિકારીઓ, બાળસંભાળ ગૃહના અધિક્ષક સહિતના 100 જેટલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.