પૂજ્ય નમ્રમુનિ મ.સા. સમીપે બે મુમુક્ષુ આત્મા, સંયમ અંગીકાર કરશે

રાજકોટ,તા.12
રાજકોટ રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘની પાવન અને પવિત્ર ભૂમિ ઉપર ગુજરાત રત્ન પૂજ્ય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ,રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ સહિત 75 પૂ.સંત-સતીજીઓનું ઐતિહાસિક સમૂહ ચાતુર્માસ જ્ઞાન, દર્શન,ચારિત્ર અને તપથી ધર્મોલ્લાસ સાથે પસાર થઈ રહ્યું છે. ચાતુર્માસમાં સેવા, પરોપકાર, જીવદયા, માનવતા, જ્ઞાન શિબિર, યુવા શિબિર, આગમ વાચણી સહિત અનેકવિધ ધર્મભીના સુંદર આયોજનો થઈ રહ્યાં છે.
ચાતુર્માસની ફળશ્રુતિ રૂપે એક સાથે બબ્બે આત્માઓ સંયમ ધર્મનો સ્વીકાર કરવા તત્પર બન્યાં છે.
જૈન ધર્મમાં કોઈ પણ મુમુક્ષુ આત્મા સંયમમાર્ગ સ્વીકારવા તૈયાર થાય ત્યારે દીક્ષા આપતા પહેલા માતા-પિતા પાસે સંમતિ લેવામાં આવે છે જ્યારે માતા-પિતા સંમતિ પત્ર આપે ત્યારે ગુરુ દ્વારા મુહૂર્ત પ્રદાન કરવામાં આવે. ત્યારે સર્જાઈ છે દીક્ષા આજ્ઞા અર્પણ અવસર જે ડુંગર દરબારના આંગણે ગુજરાતરત્ન પૂજ્ય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ તથા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ 75 સંત-સતીજીઓના શુભ સાંનિધ્યે તારીખ 18.10.2018 ના ગુરુવાર સવારના 09.30 કલાકે યોજાશે.
આજ્ઞા અર્પણ વિધિના વૈરાગ્યમય અવસરે રાજકોટમાં બીરાજમાન પૂ.સંત - સતિજીઓ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના સંઘોના પ્રતિનિધીઓ તથા વિશાળ પ્રમાણમાં સંયમ પ્રેમી ભાવિકો ઉપસ્થિત રહી પ્રભુના ત્યાગ માગેની ભૂરી - ભૂરી અનુમોદના કરશે. આ અવસરે સંયમ ભક્તિના સૂરો રેલાવવા સંગીતકાર શ્રી હાર્દિકભાઈ શાહ પધારશે.
વિશેષમાં, આ સાથે દશેરાના આ મંગળ અવસરે ગત 23 સપ્ટેમ્બરના આયોજિત કરવામાં આવેલા નવકાર મંત્રના કપલ જાપમાં ઉપસ્થિત રહેલા ભાવિકોને દીક્ષાર્થીઓના શુભ હસ્તે નવકાર મંત્રની રત્નજડિત ફ્રેમ અર્પણ કરવામાં આવશે.
દીક્ષા આજ્ઞા અર્પણના આ અવસરે જેઓએ પૂર્વ ભારતના ઝારખંડ જેવા પછાત વિસ્તારમાં આદિવાસી સમાજને વ્યસનમુક્ત કરીને ધર્મનો બોધ પમાડ્યો અને જેઓના નામથી પેટરબારમાં નિશુલ્ક નેત્ર ચિકિત્સા હોસ્પિટલ ચાલે છે તેવા જ્ઞાનનાં શિખર સમાન, નેત્રજ્યોતિપ્રદાતા, ગોંડલગચ્છ શિરોમણી પૂજ્ય શ્રી જયંતમુનિ મહારાજ સાહેબની જન્મ સ્મૃતિ અવસરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આવો અમૂલ્ય અવસર પ્રાપ્ત થતાં રાજકોટના સમસ્ત શ્રી સંઘોમાં આનંદ ઉભરાઈ રહ્યો છે અને એ આનંદમાં સહભાગી થવા તથા કાર્યક્રમના અંતે સાધર્મિક ભક્તિનો લાભ આપવા દરેક ભાવિકોને હૃદયથી આમંત્રણ આપવામાં આવ્યું છે. એમ સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોની યાદી જણાવે છે.