માતાજીના ગરબા નવરાત્રી પછી બની જશે ચકલીના માળા

  • માતાજીના ગરબા નવરાત્રી પછી બની જશે ચકલીના માળા

 તા.20મીએ 24 કલાકનું અભિયાન, 10 હજાર ગરબામાંથી ચકલીના માળા બનાવવાનું લક્ષ્ય
રાજકોટ તા,12
નવરાત્રી દરમિયાન ઘરે - ઘરે સ્થાપન થયેલા માતાજીનાં ગરબાનું વિસર્જન કરવાના બદલે તેમાંથી ચકલીના માળા બનાવવા માટે કાલાવડ રોડ પર આવેલ લાભુભાઈ ત્રિવેદી ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તા.20મીએ 24 કલાકનું અભિયાન શરૂ થશે. વિદ્યાર્થીઓનું લક્ષ્ય 24 કલાકમાં 10 હજાર માળા બનાવવાનું છે.
અબોલજીવની સુરક્ષા અને તેઓને સારો આવાસ આપવાના હેતુસર રાજકોટની લાભુભાઈ ત્રિવેદી ઈજનેરી કોલેજ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી તેમજ રાજકોટ મ્યુનીસીપાલ કોર્પોરેશનના ખાસ સહયોગથી નવરાત્રી પછી માટીના ગરબાનો ઉપયોગ વિસર્જનને બદલે પુન: સર્જન સ્વરૂપે કરવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સંસ્કૃતિમાંથી પ્રકૃતિ તરફ લઇ જવા તેમજ પર્યાવરણ અને પક્ષીઓના જતન કરવાના હેતુથી કોલેજ દ્વારા તા. 20 ઓક્ટોબર, 2018ના રોજ 24 કલાક માં 10 હજાર જેટલા ગરબામાંથી ચકલીના માળાઓ બનાવવાનું ઉત્કૃષ્ટ કાર્ય થવા જઈ રહ્યું છે. 24 કલાકમાં માળાઓ બનાવી તા. 22 થી એક અઠવાડિયા સુધી રાજકોટના અલગ અલગ સ્થળો પર માળાઓનું વિતરણ કરવામાં આવશે.
આ ઉમદા કાર્યને બિરદાવવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તા. 8 ઓક્ટોબર ના રોજ કોલેજને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
કાર્યના પાયા રૂપે રહેલ વિદ્યાર્થીઓને કોલેજના મીકેનીકલ વિભાગના પ્રો. નિકુંજ ગેવરીયા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. તેમજ સમગ્ર કાર્યને સફળતાપૂર્વક પૂરું પાડવા કોલજના ટ્રસ્ટી ડોમ અલ્પનાબેન ત્રિવેદી, પ્રિન્સીપાલ રામાણી, હેતલબેન ત્રિવેદી, પ્રો. કુશળ વાળા અને તમામ વિદ્યાર્થીઓ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.
આ ઉત્કૃષ્ટ કાર્યમાં આપનો સાથ-સહકાર હૃદયપૂર્વક આવકાર્ય છે. તો ચાલો સહુ સાથે મળીને નવરાત્રી પછી ગરબાનો ઉપયોગ વિસર્જનને બદલે માળાના સર્જન સ્વરૂપે કરવા તા. 19 ઓક્ટોબર, 2018 ના રોજ સાંજે પાંચ વાગ્યા સુધીમાં તમારા ગરબા એકત્રિત કરીને કાલાવડ રોડ પર આવેલા કોલેજમાં અર્પણ કરી શકાય છે.